Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ- સપા- બસપા નેતાઓનો પ્રવાહ સતત ભાજપ તરફઃ પ્રિયંકા- મુલાયમ- માયાવતીના ગઢના કાંગરા સતત ખરી રહ્યા છે

લખનૈઃ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હોય કે તે પછીનો સમય હોય સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસ હાઈકમાન્ડ પોતાના કાર્યકરો- નેતાઓને ભાજપમાં ભળતા રોકી શકતા નથી. પહેલા નેતા પાર્ટી કાર્યાલય ખાતે પોતાની ઈચ્છા દર્શાવતા હતા પણ હવે વિધાનસભામાં જ ભાજપ સાથે જોડાવવામાં પણ સંકોચ અનુભવતા નથી. ત્રણેય પાર્ટીઓના સેનાપતિઓ મુલાયમસિંહ, માયાવતી અને કોંગ્રેસના યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી ઉપર હાલની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા થયા છે.

પોતાનો પક્ષ છોડી કાર્યકરો- નેતાઓનું ભાજપમાં જોડાવા પાછળનું કારણ કોંગ્રેસ, સપા અને બસપામાં સંવાદનો અભાવ અને જુથબંધી છે. ગત અઠવાડીયે પણ ઉત્તર પ્રદેશના રાજકારણમાં પણ પક્ષ પલટાનું બજાર ગરમ જ રહ્યું હતું. જો કે કોંગ્રેસ ધારાસભ્ય અદિતિનું કાર્યવાહીમાં સામેલ થવા પાછળ અંગત કારણ જણાવાય રહ્યું છે. કોંગ્રેસમાં હાલ યુપી અધ્યક્ષ રાજ બબ્બર પુરતો સમય નથી ફાળવી શકતા એ જ કારણ છે કોંગ્રેસના મોટા નેતાઓ રીતા બહુગુણા જોષી, રામ સજીવન નિષાદ ભાજપમાં સામેલ થયા હતા અને આ સીલસીલો હજુ ચાલુ જ છે.

જયારે સપા- બસપામાં પણ મોટા સ્તરે ભાંગફોડ થઈ છે. જેનું મુખ્ય કારણ બન્ને પક્ષમાં આંતરીક લડાઈ અને જુથબંધી ચરમસીમાએ છે. મુલાયમ પરિવાર ભાંગી પડતા સપામાં તિરાડો મોટી થઈ ગઈ છે. અલગ- થલગ પડેલ શિવલાલ યાદવ, નરેન્દ્રભાઈ અને યોગીના વખાણ કરી ચૂકયા છે. તેજ રીતે બસપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય, બાબુસિંહ કુશવાહા જેવા મોટા નેતાઓએ ભાજપનો હાથ પકડી લીધો છે.

(3:38 pm IST)