Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

યુનોમાં ઇમરાને ભડકાઉ ભાષણ આપતા નારાજ સાઉદી પ્રિન્સે પોતાનું વિમાન પાછુ બોલાવી લીધું'તું

અમેરિકામાં ઇમરાનનું વિમાન ખરાબ નહોતું થયું

ઈસ્લામાબાદ, તા.૭: પાકિસ્તાનના એક સાપ્તાહિક મેગેઝીન ફ્રાઈડે ટાઈમ્સે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સંયુકત રાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન  ખાનના કેટલાક નિવેદનોથી એટલા તે નારાજ થઈ ગયા કે તેમણે અમેરિકાથી પાછા ફરતી વખતે પોતાનું વિમાન સુદ્ઘા પાછું બોલાવી લીધુ હતું. તે સમયે એવું કહેવાયું હતું કે ટેકિનકલ ખામીના કારણે વિમાન પાછું ફર્યું હતું પરંતુ પત્રિકાના દાવા મુજબ ઈમરાન ખાનની સંયુકત રાષ્ટ્રમાં અપાયેલી સ્પીચથી સાઉદી ક્રાઉન પ્રિન્સ એટલા ગુસ્સે ભરાયા હતાં કે તેમણે પોતાનુ વિમાન પાછું બોલાવી લીધુ હતું.

અત્રે જણાવવાનું કે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે અમેરિકા જતા પહેલા ઈમરાન ખાન સાઉદી અરબ ગયા હતાં. સાઉદીથી ઈમરાન ખાન કોમર્શિયલ ફલાઈટથી જ ન્યૂ યોર્ક જવાના હતાં પરંતુ સાઉદી પ્રિન્સે તેમને મહેમાન તરીકે પોતાનું ખાસ વિમાન ઉપલબ્ધ કરાવ્યું હતું. ત્યારબાદ તેઓ આ જ વિમાનથી સંયુકત રાષ્ટ્રના સેશન બાદ પાકિસ્તાન પાછા ફરી રહ્યાં હતાં ત્યારે અધવચ્ચે પાછા જવું પડ્યું હતું. હવે પાકિસ્તાનની મેગેઝીન ફ્રાઈડે ટાઈમ્સે પોતાના એવા અહેવાલથી બધાને ચોંકાવી દીધા છે કે કોઈ ટેકિનકલ ખામી નહતી, આ તો મોહમ્મદ બિન સલમાનની નારાજગી હતી જેના કારણે ઈમરાન ખાનના વિમાને પાછા ફરવું પડયું હતું.

ફ્રાઈડે ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કોઈ પણ સંજોગોમાં ઈમરાન ખાનના પ્રશંસક બની રહેનારાઓએ ન્યૂ યોર્કથી પાછા ફરતા ઈમરાનનું સ્વાગત વિજેતા કે હીરો તરીકે કર્યું. એટલે સુધી કે તેમના તરફથી એવું પણ સૂચન આવ્યું કે જે વિમાનથી ઈમરાન ખાન જેદાહથી ઈસ્લામાબાદ પાછા ફરી રહ્યાં છે તેને ઈમરાન પ્રત્યે સન્માન વ્યકત કરવા માટે એફ-૧૭ થંડર વિમાનોના ઘેરામાં લેવું જોઈએ.  ફ્રાઈડે ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં વધુમાં કહ્યું કે આ સમર્થકોને એવું લાગે છે કે ઈમરાન ખાને કાશ્મીર, ઈસ્લામોફોબીયા જેવા તમામ ખાસ મુદ્દાઓ પર પોતાની ધારદાર રજુઆત કરી. જયારે ઈમરાન ખાન બોલી રહ્યાં હતાં ત્યારે અડધો હોલ ખાલી હતો તે વાતથી તેમને કોઈ ફરક પડતો નથી અને ઈમરાન  ખાને માની લીધુ કે પાકિસ્તાન અલકાયદા આતંકીઓને તાલીમ આપતું હતું. ભારત-પાકિસ્તાન વાર્તાની આશા પહેલા કરતા ઓછી રહી ગઈ તે વાતથી તેમને કોઈ ફરક પડતો નથી અને એક ક્ષેત્રીય મુદ્દો ઈસ્લામી પાકિસ્તાન અને હિન્દુ ભારતનો મુદ્દો બનાવી દેવાયો છે.

ઈરાન સાથે પાકિસ્તાનની મિત્રતા પર નારાજ હતાં મોહમ્મદ બિન સલમાન

ફ્રાઈડે ટાઈમ્સે લખ્યું છે કે આ મુસાફરીના કેટલાય અનિચ્છનીય પરિણામો પણ રહ્યાં. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ન્યૂ યોર્કમાં પાકિસ્તાની વડાપ્રધાનની કૂટનીતિના કેટલાક પહેલુઓથી એટલા અલગ થઈ ગયા કે તેમણે પોતાનું ખાનગી વિમાન પાછુ બોલાવીને તેમાંથી પાકિસ્તાની પ્રતિનિધિમંડળને કઢાવીને ઈમરાનને ફટકો આપ્યો. મેગેઝીનના જણાવ્યાં નમુજબ ઈસ્લામિક બ્લોકનું નેતૃત્વ કરવાની ઈમરાન ખાનની કોશિશો સાઉદી અરબને જરાય ગમી નહીં. આ ઉપરાંત તેમને પાકિસ્તાન તરફથી ઈરાન સાથે સંબંધ મજબુત કરવા ઉપર પણ વાંધો હતો.

જો કે પાકિસ્તાન સરકારના પ્રવકતાએ ફ્રાઈડે ટાઈમ્સના રિપોર્ટને ફગાવતા ધરાર ખોટો ગણાવ્યો છે. પ્રવકતાએ આ અહેવાલને મનગઢંત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સાઉદી ક્રાઉન પ્રિન્સ તરફથી ઈમરાનના વિમાનને પાછું અમેરિકા બોલાવવાનો અહેવાલ સાવ મનગઢંત છે. પાકિસ્તાન અને સાઉદી અરબના શાસકો વચ્ચે સારા સંબંધો છે. રિપોર્ટમાં વડાપ્રધાનની વિશ્વ નેતાઓ સાથેની સફળ વાતચીતને નબળી ગણાવવાની કોશિશ કરાઈ છે.

(11:29 am IST)