Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રોકાણકારો માટે પ્રાઇમરી માર્કેટ દુઝણી ગાય સાબિત થયું

ચાલુ વર્ષે ૧૧માંથી ૮ ઇશ્ગુમાં પોઝીટીવ રીટર્ન

મુંબઇ, તા.૭: રોકાણકારો માટે આજકાલ પ્રાઈમરી માર્કેટ દુઝણીગાય સાબિત થઈ રહ્યું છે. શેરબજારમાં તીવ્ર વોલેટાલિટી વચ્ચે પણ રોકાણકારોને આઈપીઓમાં ચાંદી જ ચાંદી થઈ છે. તાજેતરમાં આવેલા નવા આઈપીઓ પૈકી ૭૦ ટકા લિસ્ટિંગ બાદ ઈશ્યુ પ્રાઈઝથી પ્રીમિયમમાં ટ્રેડ થઈ રહ્યા છે. આ આપીઓમાં રોકાણકારોને ૯૫ ટકા જેટલું વળતર મળ્યું છે. 

શેરબજારમાં અનેક કારણોસર બજારમાં અફરાતફરી જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે યુએસ અને ચીન વચ્ચે વ્યાપાર યુદ્ઘ, અર્થતંત્રની ધીમી ગતિ, નબળું રોકાણ સેન્ટિમેન્ટ અને વિદેશી ફંડોની વેચવાલીને પગલે શેરોમાં ભારે વોલેટાલિટી જોવા મળી રહી છે. જો કે તેમ છતા ચાલુ વર્ષે આવેલા આઈપીઓમાં રોકાણકારોને નોંધપાત્ર વળતર મળતા દિવાળી સુધરી છે.

૨૦૧૯માં અત્યાર સુધીમાં લિસ્ટ થયેલા ૧૧ કંપનીઓનું લિસ્ટિંગ થયું હતું જે પૈકી આઠ કંપનીના શેરમાં ૭-૯૫ ટકાનું વળતર મળ્યું છે જયારે ત્રણ કંપની રોકાણકારોના વળતરમાં આકર્ષવામાં નિષ્ફળ ગઈ છે.

ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશનો આઈપીઓ જુલાઈમાં લિસ્ટ થયો હતો અને આ શેરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૯૫ ટકા વળતર રોકાણકારોને મળ્યું છે. આ ઉપરાંત નીઓજેન કેમિકલ્સમાં ૭૬ ટકા, આફલે (ઈન્ડિયા) અને મેટ્રોપોલિસ હેલ્થકેરમાં અનુક્રમે ૪૯ અને ૪૦ ટકાનું વળતર રોકાણકારોને મળ્યું છે.

દરમિયાન પોલીકેબ ઈન્ડિયા, રેલ વિકાસ નિગમ, ચાલેટ હોટેલ્સ અને સ્પંદના સ્ફૂર્તિ ફાઈ.ના શેરમાં રોકાણકારોને ૨૪, ૨૧, ૧૨ અને ૭ ટકાનું વળતર મળ્યું છે.

'વિતેલા એક વર્ષમાં બજારમાં સંખ્યાબંધ કારણોસર ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી અને રોકાણકારોમાં નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું હતું. જો કે યોગ્ય મૂલ્ય સાથેના આઈપીઓએ રોકાણકારોને નવી તક પુરી પાડી હતી. મોટાભાગે આઈપીઓમાં આક્રમક મૂલ્ય નક્કી કરવામાં આવે છે જેને પગલે રોકાણકારોનું નિરસ વલણ જોવા મળે છે,' તેમ આનંદ રાઠીના એવીપી ઈકિવટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ સેવાના વડા નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું.

આ વર્ષે આવેલી કંપનીઓના આઈપીઓમાં કંપનીઓની સ્વચ્છ છબિ પણ મોટું પરિબળ રહ્યું છે.

(10:19 am IST)