Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મુંબઈમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા : લોકો ફસાયા

કુર્લા, હિંદમાતા, મલાડમાં જળબંબાકાર : મહારાષ્ટ્રના નવી મુંબઈના જુદા જુદા ભાગો, થાણે તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ : આજે ભારે વરસાદ

મુંબઈ, તા. ૭ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં આજે શનિવારના દિવસે પણ ભારે વરસાદ થયો હતો જેથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. દિવસ દરમિયાન ભારે વરસાદ જારી રહ્યો હતો. મહારાષ્ટ્રના નવી મુંબઈના વિવિધ ભાગો અને થાણેના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આવતીકાલે રવિવારના દિવસે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સિયોન, કુર્લા, કિંગસર્કલ, હિંદમાતા, મલાડ, કાંદીવલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ૫૧થી વધુ રુટો ઉપર સીટી બસ સેવાને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, હાજીઅલી, પેદ્દાર રોડ, ગોલીબાગ વિસ્તાર, ખાર, ઘાટકોપર, દાદર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હોવાના અહેવાલથી લોકો ઘરમાં જ રહ્યા હતા. બહાર રહેલા લોકોએ કહ્યું હતું કે, ઘણી બધી સમસ્યાઓ નડી રહી છે. છેલ્લા ૯ કલાકના ગાળામાં શાંતાક્રૂઝમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. આઈએમડી થાણે જેવા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આઈએમડી વેસ્ટર્ન રિઝનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલનું કહેવું છે કે, જુદા જુદા વિસ્તારમાં વરસાદથી જનજીવન ઠપ થયું છે. હિન્દમાતા, મલાડ જેવા વિસ્તારમાં ઘુંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. મુંબઈમાં વર્તમાન મોનસુનની સિઝનમાં અનેક વખત ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી ચુક્યા છે. ઓરિસ્સા ઉપર લો પ્રેશર સિસ્ટમના લીધે ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતથી પશ્ચિમી દરિયાકાંઠા ઉપર વિશેષ પ્રકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે જેથી વરસાદી માહોલની સંભાવના અકબંધ રહી છે. લોકો આજે સાંજે ઘરે જતી વેળા મુશ્કેલીમાં મુકાયા હતા. ચારેબાજુ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.

(10:09 pm IST)