Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ચંદ્રયાન-૨ : ૯૫ ટકા કામ પૂર્ણ, પાંચ ટકા કામમાં ચુક

ઇસરોના પૂર્વ ચેરમેન માધવન નાયરનો દાવો : લેન્ડરથી સંપર્ક તુટી જવા માટેના અનેક કારણો પૈકી કોઇ કારણ હોઈ શકે છે : ઇસરો ટૂંક સમયમાં માહિતી મેળવશે

નવીદિલ્હી,તા.૭ : ચંદ્રયાન-૨ મિશનમાં લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટી ગયા બાદ દરેક વ્યક્તિ નિરાશ ચોક્કસપણે છે પરંતુ આ મિશનને સંપૂર્ણપણે નિરાશ અને નિષ્ફળ ગણી શકાય નહીં. જોવામાં આવે તો લેન્ડર સાથે સંપર્ક તુટી જતાં પહેલા જ ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી લીધી હતી. ઇસરોના પૂર્વ ચેરમેનની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો ૯૫ ટકા સુધી આ મિશન સફળ રહ્યું છે. પાંચ ટકા ચુક રહી છે. કારણ કે, કેટલીક ખામીઓ દેખાઈ આવી છે. લેન્ડરથી સંપર્ક તુટતા પહેલા જ ઘણી બધી ચીજો હાંસલ કરી લેવામાં આવી હતી. મિશન ૯૫ ટકા સુધી સફળ રહ્યું છે. કારણ કે ઓર્બીટર પહેલાથી જ પોતાની જગ્યા ઉપર પહોંચી ગયું હતું અને યોગ્યરીતે કામ કરી રહ્યું છે. ઇસરોના પૂર્વ ચેરમેન જી માધવન નાયરે આજે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, લેન્ડર ચંદ્ર પર ઉતરાણ કરી શક્યું નથી પરંતુ ચંદ્રયાન-૨ દ્વારા પોતાના ૯૫ ટકા ઉદ્દેશ્યોને પૂર્ણ કરી લીધા છે. ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન શુક્રવારે મોડી રાત્રે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

        ચંદ્રની સપાટી તરફ વધી રહેલું લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્રની સપાટીથી માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે હજુ ત્યારે જ સંપર્ક તુટી ગયો હતો. આ પહેલા સુધી તમામ બાબતો નિયમ મુજબ આગળ વધી રહી હતી. માધવન સ્પેસ ડિપાર્ટમેન્ટમાં સચિવ અને સ્પેસ કમિશનમાં ચેરમેન તરીકે પણ રહી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-૨ના ઓર્બીટર બિલકુલ યોગ્યરીતે કામ કરી રહ્યા છે. લુનર ઓર્બીટમાં યોગ્યરીતે ઓર્બીટર કામ કરી રહ્યું છે. માધવને કહ્યું હતું કે, અમને વધારે ચિંતા કરવાની જરૂર નથી. ચંદ્રયાનને જે કામ કરવાના હતા તેમાંથી ૯૫ ટકા કામ પૂર્ણ થઇ ચુક્યા છે. માધવને કહ્યું હતું કે, ઓર્બીટર સ્પેસમાં ચે અને મેપિંગના પોતાના કામને સંપૂર્ણપણે સફળરીતે કરશે. ચંદ્રયાન-૨ના ઓર્બીટરમાં ચંદ્રની સપાટીના મેપિંગ અને પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહના બહારના હિસ્સામાં કામ કરવા માટે આઠ વૈજ્ઞાનિક સાધનો છે. ચંદ્રયાનમાં કુલ ત્રણ પ્રમુખ હિસ્સા રહેલા છે જેમાંથી ૨૩૭૯ કિલોગ્રામના ઓર્બીટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનો સમાવેશ થાય છે. લેન્ડરની અંદર રોવર પ્રજ્ઞાન રહેલું છે. હાલમાં લેન્ડર અને તેની અંદર રહેલા રોવર ક્યા અટકી ગયા છે તે સંદર્ભમાં માહિતી મળી રહી નથી પરંતુ ઓર્બીટર પોતાનું કામ કરી રહ્યું છે.

         લેન્ડર ૧૪૭૧ કિલોગ્રામના મિશન લાઈફ ૧૪ દિવસની હતી જ્યારે ઓર્બીટરની લાઇફ એક વર્ષની રહેલી છે. એક વર્ષના મિશન અવધિવાળા ઓર્બીટર ચંદ્રના અનેક ફોટાઓ લઇને ઇસરોને મોકલી શકે છે. અધિકારીઓના કહેવા મુજબ ઓર્બીટર લેન્ડરના ફોટાને પણ મોકલી શકે છે જેનાથી તેની સ્થિતિના સંદર્ભમાં માહિતી મળી શકે છે. લેન્ડર સાથે સંપર્ક તુટવા પાછળ કારણ શું હોઈ શકે છે તે અંગે પૂછવામાં આવતા ઇસરોના પૂર્વ વડાએ કહ્યું હતું કે, અનેક કારણો પૈકી કોઇપણ કારણ હોઈ શકે છે. સેન્સર ફેઇલ થઇ જવા, ઓનબોર્ડ સોફ્ટવેર ક્રેશ થઇ જવા અથવા તો તે ખુબ ઝડપથી નીચે પહોંચી જવાની બાબત કારણરુપ હોઈ શકે છે. નાયરે કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે, ઇસરો ખુબ ટૂંક સમયમાં આના કારણને શોધી કાઢશે.

(7:37 pm IST)