Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ચંદ્રયાન-2 મિશનના લેન્ડર સાથે કોઇ સંપર્ક ન હોવાથી ફરીથી સંપર્ક સ્થાપિત કરવો ખૂબ જ જરૂરીઃ ઇસરોનો મત

બેંગ્લુરુ: ચંદ્રયાન-2 મિશન સાથે જોડાયેલા એક વરિષ્ઠ ઈસરો અધિકારીએ આજે કહ્યું કે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ વિક્રમ લેન્ડર અને તેમાં રહેલા પ્રજ્ઞાન રોવરને કદાચ ગુમાવી દીધા છે. આ અગાઉ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટી નજીક આવી રહ્યું હતું ત્યારે જ નિર્ધારીત સોફ્ટ લેન્ડિંગથી ગણતરીની મિનિટો પહેલા તેનો પૃથ્વી સ્થિત નિયંત્રણ કેન્દ્ર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈસરોના અધ્યક્ષ કે સિવને કહ્યું કે વિક્રમ લેન્ડર ચંદ્રમાની સપાટીથી 2.1 કિમીની ઊંચાઈ સુધી નિર્ધારીત રીતે ઉતરણ કરી રહ્યું હતું. ત્યારબાદ લેન્ડરનો ધરતી સાથેનો સંપર્ક તૂટી ગયો. આંકડાનું વિશ્લેષણ થઈ રહ્યું છે.

ચંદ્રયાન-2 મિશન સાથે નજીકથી સંકળાયેલા એક અધિકારીએ પીટીઆઈ-ભાષાને કહ્યું કે લેન્ડર સાથે કોઈ સંપર્ક નથી. તે લગભગ સમાપ્ત થઈ ગયું છે. કોઈ આશા નથી. લેન્ડર સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવો ખુબ જ મુશ્કેલ છે. ચંદ્રયાન-2 મિશન હેઠળ મોકલાયેલા 1,471 કિગ્રા વજનનું લેન્ડર વિક્રમ ભારતનું પહેલું મિશન હતું જે સ્વદેશી ટેકનોલોજીની મદદથી ચંદ્ર પર અભ્યાસ માટે મોકલવામાં આવ્યું હતું. લેન્ડરનું આ નામ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના જનક ડો. વિક્રમ સારાભાઈના નામે રાખવામાં આવ્યું હતું.

જો કે આ બાજુ એએનઆઈ મુજબ જ્યારે આ સવાલ ઈસરોના સાઈન્ટિસ્ટ દેવી પ્રસાદ કાર્નિકને પૂછવામાં આવ્યો તે તેમણે કહ્યું કે 'ડાટાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. અમારી પાસે હજુ સુધી કોઈ રિઝલ્ટ નથી. તેમાં સમય લાગી રહ્યો છે. અમે નિશ્ચિત રીતે કશું કહી શકીએ નહીં.' લગભગ 47 દિવસની યાત્રા બાદ વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટ્યો છે.

તેને ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું અને તેણે એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ જેટલું કામ કરવાનું હતું. લેન્ડર વિક્રમની અંદર 27 કિગ્રાના વજનવાળું રોવર પ્રજ્ઞાન પણ હતું. સૌર ઉર્જાથી ચાલતા પ્રજ્ઞાનને ઉતરણના સ્થાનથી 500 મીટરના અંતર સુધી ચંદ્રમાની સપાટી પર ચાલવા માટે બનાવવામાં આવ્યું હતું. ઈસરોના જણાવ્યાં મુજબ લેન્ડરમાં સપાટી અને ઉપસપાટી પર પ્રયોગ માટે ત્રણ ઉપકરણ લાગેલા હતાં. જ્યારે ચંદ્રમાની સપાટીને સમજવા માટે રોવરમાં બે ઉપકરણ લાગેલા હતાં. મિશનમાં ઓર્બિટરનો કાર્યકાળ એક વર્ષનો છે. ઓર્બિટર હજુ પણ ચંદ્રની કક્ષામાં ચક્કર કાપી રહ્યું છે અને બરાબર કામ કરી રહ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ઓર્બિટર વિક્રમ લેન્ડરની તસવીરો પણ મોકલી શકે છે.

(7:30 pm IST)