Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

IAF ના ૪ જવાનોની હત્યાનો ખટલો ચલાવવા યાસીન મલિક સામે તખ્તો તૈયાર

૩૦ વર્ષ પહેલા શ્રીનગર નજીક યાસીન મલિકના આગેવાની હેઠળના આતંકીઓએ જવાનો ઉપર ખુલ્લું ફાયરીંગ કરી હત્યા કરી હતી : યાસીનની સંડોવણીના નજરે જોનાર સાક્ષીઓ હોવા છતા તત્કાલીન સરકારે પડદા પાછળ વાતચીતો કરી હતીઃ ર૦૦૭માં ટ્રાયલ ચલાવવા જમ્મુ-કાશ્મીર હાઇકોેર્ટે આપેલો સ્ટે તાજેતરમાં ઉઠાવી લેવાતા ચાર્જફ્રેમની તૈયારી : ૧૧ સપ્ટેમ્બરે કોર્ટમાં ખડો કરાશેઃ યાસીન ટેરર ફંડીગ કેસમાં હાલ તિહાર જેલમાં

જમ્મુ, તા., ૭: ઇન્ડીયન એરફોર્સના ૪ જવાનોની  હત્યાના યાસીન મલિકને સંડોવતા  કેસ ઉપરથી ૩ દાયકા  બાદ ધૂળ ખંખેરાઇ છે. ૧૯૯૦માં પ્રજાસતાકદિનના એક દિવસ પુર્વે રપ જાન્યુઆરીની સવારે કારમાં આવેલા આતંકીઓએ શ્રીનગરની ભાગોળે ઇન્ડીયન એરફોર્સના ગ્રૃપ ઉપર ધડાધડ ગોળીબાર કર્યો હતો. જેમાં સ્કોડ્રન લીડર રવિ ખન્ના અને તેમના ૩ સાથીઓ માર્યા ગયા હતા અને ઘણા સૈનિકોને ઇજાઓ થઇ હતી. 

આ કેસની તપાસ દરમિયાન ઘણા બધા નજરે જોનાર સાક્ષીઓએ મલિકની આ ઘટનામાં  સંડોવણી હોવાના નિવેદનો આપ્યા હતા. અને ફાયરીંગ માટે જવાબદાર ગણાવ્યો હતો. ૩૦ વર્ષથી આ કેસમાં હજુ સુધી ચાર્જફ્રેમ  થયો નથી. સીબીઆઇ એ   નવેમ્બર-૧૯૯૦માં  રજુ કરેલ ચાર્જશીટમાં ઘણી- બધી હકિકતો દર્શાવી હતી. પુરાવાઓ હોવા છતાં તત્કાલ સરકારએ પડદા પાછળની વાતચીતો મલિક સાથે ચલાવી હતી. અલગતાવાદીઓએ કાયદાકીય રીતે આ કેસને શ્રીનગરથી જમ્મુ ખસેડવા અરજી કરી હતી.

ચાલુ વર્ષની ર૬ એપ્રિલે જમ્મુ અને કાશ્મીર કોર્ટે આ કેસ ચલાવવા  સામેનો સ્ટે ઉઠાવી લીધો હતો જે ર૦૦૭માં આપવામાં આવ્યો હતો. ટ્રાયલ શીફટ કરવાની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. મલિકને આ કેસમાં ૧૧ સપ્ટેમ્બરે કોર્ટમાં રજુ કરવામાં આવે તેવી સંભાવના છે.

આ માટે તેણી સામે નોનબેઇલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એડવોકેટ પવિત્તરસિંઘ ભારદ્વાજ જે સીબીઆઇના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર છે તેમણે ધ પ્રિન્ટ'ને  તેમના જમ્મુના નિવાસસ્થાને જણાવ્યું હતું કે અંતે આતંકી ગતીવિધિઓ સામે કાર્યવાહી શરૂ થઇ છે.

(3:37 pm IST)