Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી દરમાં ઘટાડાની માગણી પર વિચાર કરાશેઃ અનુરાગ ઠાકુર

જીએસટી દરોમાં ઘટાડો કરવો જોઇએઃ અર્જુનરામ મેઘવાલ

નવી દિલ્હી તા. ૭ :.. આર્થિક મંદી વચ્ચે કેન્દ્ર તરફથી રાહતની જાહેરાત થઇ શકે છે. કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલે સરકાર તરફથી જીએસટીના દરોમાં ઘટાડાની વાત કહી છે. જીએસટી દરોમાં ઘટાડાથી મંદીનો સૌથી વધુ માર ઝીલી રહેલા ઓટો સેકટરને રાહત મળવાની આશા છે.

ઓટો સેકટર તરફથી સરકારને સતત જીએસટી દરોમાં ઘટાડો કરવાની માગણી કરાઇ રહી છે. કેન્દ્રીય પ્રધાન મેઘવાલે કહયું કે દિવાળી આવવાની છે. મેઘવાલે આ વાત ઓટો કમ્પોનન્ટ મેન્યુફેકચરર્સના મંચ પરથી કહી. ઓટો સેકટર ર૮ ટકા જીએસટી દરમાંથી ઘટાડો કરીને ૧૮ ટકા કરે એની માગણી કરી રહ્યું છે.

જો સરકાર ઓટો સેકટરની માગણી માની લે તો એનાથી ઓટો સેકટરની સાથે કાર ખરીદનારા લોકોને પણ ભાવમાં ઘટાડાનો ફાયદો મળશે. બીજી બાજુ અનુરાગ ઠાકુરે પણ કહયું કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઓટો સેકટર તરફથી જીએસટી દરમાં ઘટાડાની માગણી પર વિચાર કરાશે.

નાણાં રાજય પ્રધાન અનુરાગ ઠાકુરે કહયું કે આ સંબંધે ઓટો કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. સરકાર તરફથી ઇન્ડસ્ટ્રીઝમાં માગ વધારવા માટે ઉપાયોની  જાહેરાત કરાશે. અમને ઉદ્યોગોની ખરાબ સ્થિતિ વિશે માહિતી છે.

(11:35 am IST)