Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

CBDTની લાલ આંખ, ધંધાકીય પ્રવૃતિ કરતા ટ્રસ્ટોની સ્ક્રુટિની નિશ્ચિત

CBDTએ વર્ષ ૧૯-ર૦ માટે ફરજિયાત સ્ક્રુટિનીના નિયમો જાહેર કર્યા : સર્ચ, સરવે કે દરોડા પડયા હોય તેવા કેસોમાં ફરજિયાત સ્ક્રુટિની

નવી દિલ્હી તા. ૭ :.. દરેક વર્ષે કરદાતાઓના રિટર્ન ફાઇલ થઇ ગયા બાદ બે-ત્રણ ટકા કેસમાં આવક અને ખર્ચની ચકાસણી કરવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ક્રુટિની કરવામાં આવતી હોય છે. સ્ક્રુટિની બે પધ્ધતિથી કરવામાં આવતી હોય છે. પ્રથમ પધ્ધતિમાં સ્ક્રુટિની માટે મેન્યુઅલી સિલેકશન થાય અને બીજી પધ્ધતિ સીએએસએસ એટલે કે કોમ્પ્યુટર એઇટેડ સ્ક્રુટિની સિલેકશન, આ બન્ને પધ્ધતી માટે સીબીડીટી ચોકકસ માપદંડ (પેરામીટર) નકકી કરે છે. જે દર વર્ષે સીબીડીટી દ્વારા નકકી થતા હોય છે. ૧૯-ર૦ ની મેન્યુઅલી સ્ક્રુટિની માટેના નિયમો સીબીડીટી દ્વારા જાહેર કરી દીધા છે. જેમાં ખાસ કરીને ધંધાકીય પ્રવૃતિ કરતા ટ્રસ્ટો અને જેમને ત્યાં દરોડા પડયા હોય કે સર્ચ થયું હોય તેવા કેસોમાં ફરજીયાત સ્કુટીની કરવાનું સુચન કર્યુ છે.

ટેકસ એડવોકેટ પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે સીબીડીટી દ્વારા દેશના ચાર મેટ્રો શહેરો ઉપરાંત અમદાવાદ બેંગલુરૂ અને પૂણે જેવા શહેરમાં જે કરદાતાના કેસમાં અગાઉના વર્ષમાં રૂ. રપ લાખની આવક ઉમેરવામાં આવી હોય તેવા કેસોમાં ચોકકસ સ્ક્રુટીની કરાશે. અન્ય શહેરમાં રૂ. ૧૦ લાખની આવકના ઉમેરાઇ હોય તેવા કેસમાં સ્ક્રુટીની કરાશે.

મલ્ટિનેશનલ કંપનીઓના કેસોમાં જો તેમની ટ્રાન્સફર પ્રાઇસિંગમાં ૧૦ કરોડના મુલ્યનો ઉમેરો કરવામાં આવેલ હોય અને તે અપીલમાં હારી ગયા હોય તો સ્ક્રુટીની કરાશે. ટેકસ એડવાઇઝર મૃદંગ વકીલે જણાવ્યું હતું કે કોઇપણ કાયદાકીય ખાતા દ્વારા કરદાતાએ છૂપાવેલી આવકની માહિતી આપવામાં આવી હોય તો આવા કેસો સ્ક્રુટીની માટે પસંદ કરતાં પહેલાં સિનીયરની મંજૂરી લેવાની રહેશે.

(11:17 am IST)