Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પાકિસ્તાનના લિજેન્ડરી સ્પિનર અબ્દુલ કાદિરનું હ્રદયરોગના હુમલાને કારણે નિધન

લાહોરમાં અંતિમ શ્વાસ લીધા : એક્ઝિબિશન મેચમાં કાદિરની એક ઓવરમાં ચાર સિક્સર ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી

 

ઇસ્લામાબાદ:પાકિસ્તાનના લિજેન્ડરી સ્પિનર અબ્દુલ કાદિરનું હ્રદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. 63 વર્ષીય પૂર્વ ક્રિકેટરે લાહોરમાં અંતિમ શ્વાસ લીધા હતા  કાદિરના પુત્ર સલમાન કાદિરે પુત્રએ જણાવ્યું હતું કે તેના પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.

અબ્દુલ કાદિર તેની આગવી બોલિંગ સ્ટાઈલના કારાણે જાણીતા હતા. કાદિરે પાકિસ્તાન માટે 67 ટેસ્ટ અને 104 વન-ડે મેચ રમી છે. કાદિરે 14 ડિસેમ્બર 1977માં લાહોરમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી અને 11 જૂને 1983માં બર્મિંઘહામમાં ન્યૂઝીલેન્ડ સામે વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. કાદિરે 67 ટેસ્ટમાં 236 અને 104 વન-ડેમાં 132 વિકેટ ઝડપી હતી.

સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. સચિને ડિસેમ્બર 1989માં પેશાવરમાં એક એક્ઝિબિશન મેચમાં અબ્દુલ કાદિરની એક ઓવરમાં ચાર સિક્સર ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. સચિને ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પા-પા પગલી માંડી હતી જ્યારે 36 વર્ષીય કાદિર લિજેન્ડરી સ્પિનર તરીકે પ્રસ્થાપિત થઈ ગયો હતો. સચિને પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. ત્યાર પછીનો બોલ ખાલી ગયા બાદ ત્રીજા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારપછીના ત્રણ બોલમાં સચિને ત્રણ સિક્સર ફટકારી હતી. આમ તેણે કુલ 28 રન લીધા હતા. જોકે, તે મેચથી સચિન છવાઈ ગયો હતો. સચિને તે મેચમાં 18 બોલમાં 53 રન ફટકાર્યા હતા.

(12:00 am IST)