Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે કરેલા ઉપવાસ

કોંગ્રેસના રાજયના જિલ્લા મથકોએ ઉપવાસ : હાર્દિક પ્રશ્ને સરકારને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યા છતાં કોઇ નિર્ણય ન લેવાતાં કોંગીના વિરોધ કાર્યક્રમ થયા

અમદાવાદ, તા.૭ : હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફીની માંગ અને અનામતની માંગ સાથે છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે, ત્યારે કોંગ્રેસ આ મામલે તેને સીધેસીધો ટેકો આપી રહી છે. પરંતુ હાર્દિકના ઉપવાસ આંદોલન મામલે સંવેદનહીનતા અને અહંકાર ત્યાગી ૨૪ કલાકમાં યોગ્ય નિર્ણય લેવા કોંગ્રેસે ગઇકાલે રાજય સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઇ નિર્ણય નહી લેવાતાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેની અગાઉ કરાયેલી જાહેરાત મુજબ, અમદાવાદ સહિત રાજયના વિવિધ જિલ્લા મથકોએ પ્રતિક ઉપવાસ, ધરણાં અને દેખાવોના કાર્યક્રમોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં સાબરમતી આશ્રમ પાસે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ખુદ ખેડૂતોના દેવામાફીની માંગ સાથે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા, તેમની સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો, નેતાઓ અને સ્થાનિક આગેવાનો-કાર્યકરો જોડાયા હતા. હાર્દિકની માંગણીઓ અને ખેડૂતોને લઇ કોંગ્રેસની રજૂઆત પરત્વે રાજય સરકાર તરફથી કોઈ સમાધાનકારી વલણ નહી અપનાવાતા કોંગ્રેસ દ્વારા આજથી ૨૪ કલાકના પ્રતિક ઉપવાસ કાર્યક્રમનો  પ્રારંભ કરાયો હતો અને ગુજરાતભરના કોંગ્રેસના નેતાઓ વિવિધ જિલ્લા અને તાલુકામાં પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. કોંગ્રેસે ખેડૂત દેવાને મુદ્દો બનાવીને રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન આરંભતાં હવે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. રાજયના ખેડૂતોને દેવામાફીના મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે અમદાવાદ શહેરના સાબરમતી આશ્રમ પાસે ૨૪ કલાકના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. તેમણે ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને નમન કરીને ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. તેમની સાથે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ, કોંગી ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. રાજ્યની ભાજપની સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્ને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોના દેવા માફ નહીં થતા તેઓ પાયમાલ થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોની દેવામાફીની માગને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની માફક કોંગ્રેસના અન્ય નેતાઓ અને ્સ્થાનિક આગેવાનો જિલ્લા-તાલુકા કક્ષાએ ઠેર ઠેર પ્રતિક ઉપવાસ તેમજ ધરણા પર બેઠા હતા. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી કે, જ્યાં સુધી ખેડૂતોના દેવાને સંપૂર્ણ માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી રાજ્યમાં કોંગ્રેસ જંપીન નહીં બેસે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની સંપૂર્ણ દેવામાફી અને હાર્દિક પટેલ સાથે મુખ્યપ્રધાન દ્વારા સીધો સંવાદ સ્થાપીત કરીને આંદોલનનો અંત લાવવા, અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓની મુક્તિની માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યો-નેતાઓએ ગઇકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પણ આ મામલે યોગ્ય હૈયાધારણ આપી હતી. જો કે, કોંગ્રેસના અલ્ટિમેટમ છતાં સરકારે કોઇ પ્રતિસાદ નહી આપતાં કોંગ્રેસે અમદાવાદ સહિત રાજયભરમાં જિલ્લા-તાલુકા મથકોએ ઉપવાસ, ધરણાં સહિતના વિરોધ કાર્યક્રમો યોજયા હતા.

(8:33 pm IST)