Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભારતમાં પેટ્રોલ ઉપર વેટ મુંબઈમાં સૌથી વધારે છે

તેલંગાણામાં ડીઝલ પર વેટ સૌથી હાઈએસ્ટ છે : પેટ્રો ચીજવસ્તુઓમાંથી એક્સાઇઝ વસુલાતનો આંકડો ૨૦૧૭-૧૮માં ૨૨૯૦૧૯ કરોડે પહોંચ્યો : અહેવાલ

નવીદિલ્હી, તા. ૭ : પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ ગતિએ વધી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ ગયા વર્ષે જૂન મહિનામાં છેલ્લા ૧૫ વર્ષથી ચાલતી જુની પ્રથાનો અંત લાવીને દરરોજ ભાવ સુધારાનો નિર્ણય કર્યો હતો. તે પહેલા દર મહિનાની પહેલી અને ૧૬મી તારીખે ભાવમાં સુધારા કરવામાં આવતા હતા. કેન્દ્ર સરકાર હાલમાં પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટીરુપે ૧૯.૪૮ રૂપિયા લે છે જ્યારે ડીઝલ ઉપર ૧૫.૩૩ રૂપિયા વસુલ કરે છે. આ ઉપરાંત રાજ્યો મૂલ્યવર્ધિત કરવેરા પણ લાગૂ કરે છે. મુંબઈમાં વેટનો દર પેટ્રોલ ઉપર સૌથી વધારે ૩૯.૧૨ ટકા છે. તેલંગાણામાં ડીઝલ ઉપર સૌથી વધુ વેટ ૨૬ ટકાનો છે. દિલ્હીમાં પેટ્રોલ ઉપર વેટ ૨૭ ટકા અને ડીઝલ પર ૧૭.૨૪ ટકા છે. કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૧૪ અને જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચેના ગાળામાં નવ ઇન્સ્ટોલમેન્ટમાં પેટ્રોલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી ૧૧.૭૭ રૂપિયા વધારી હતી જ્યારે ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ૧૩.૪૭ રૂપિયા વધારી હતી. વૈશ્વિક તેલ કિંમતોમાં તે વખતે ઘટાડો થઇ રહ્યો હતો પરંતુ ત્યારબાદ ટેક્સમાં ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં માત્ર એક વખત કાપ મુક્યો હતો. આના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પેદાશોની ચીજવસ્તુઓમાંથી એક્સાઇઝ વસુલાતનો આંકડો છેલ્લા ચાર વર્ષના ગાળામાં બે ગણો થઇને ૨૦૧૭-૧૮માં ૨૨૯૦૧૯ કરોડ સુધી પહોંચી ગયો છે જે ૨૦૧૪-૧૫માં ૯૯૧૮૪ કરોડનો હતો. રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશોથી વેટ રેવન્યુનો આંકડો ૨૦૧૪-૧૫માં ૧૩૭૧૫૭ કરોડનો હતો જે ૨૦૧૭-૧૮માં ૧૮૪૦૯૧ કરોડ થઇ ગયો છે. આવી સ્થિતિમાં કોઇપણ રાજ્ય એક્સાઇઝ ડ્યુટી અથવા તો વેટમાં ઘટાડો કરે તેમ ઇચ્છશે નહીં.

(7:29 pm IST)