Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિકે પોતાની માંગણીઓ માટે સરકાર સાથે ઉપવાસ પહેલા કે ઉપવાસ પછી પણ કોઇને ચર્ચા કરી નથી કે કોઇને મોકલેલ નથીઃ સરકાર અનામત અને દેવા માફીની શરતો કોઇ કાળે સ્વીકારી શકે તેમ નથીઃ રસ્તો શું નીકળશે ? નરેશભાઇ સતત પ્રયાસોમાં: મોડી સાંજે ખોડલધામ અને ઉમિયાધામના વડીલો મળે તેવી સંભાવનાઃ ભારે સસ્પેન્સ

અમદાવાદ તા. ૭: હાર્દિક પટેલના ઉપવાસનો આજે ૧૪મો દિવસ છે ત્યારે ટોચના આધારભૂત વર્તુળોએ જણાવ્યું છે કે, હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કરતા પહેલા સરકાર સાથે કોઇ વાતચીત કરી ન હતી અને મંત્રણા માટે ઉપવાસ પછી પણ પોતાના કોઇ પ્રતિનિધીને સરકારના જવાબદારો સાથે વાતચીત કરવા મોકલેલ નથી.

આ ભરોસાપાત્ર વર્તુળો ત્યાં સુધી જણાવે છે કે ખોડલધામના નરેશભાઇ પટેલ પણ શુભ ભાવનાથી સામેથી હાર્દિક પટેલને મળવા ગયા હતા. હાર્દિક પટેલે સ્પષ્ટ કહેલ કે ૩ માંગણીઓ માન્ય રાખતા હો તો જ સમાધાન થશે, આમ છતાં પણ નરેશભાઇ ભલી લાગણીથી મળવા ગયા હતા. બપોર સુધીમાં મળતા અહેવાલો મુજબ તેઓ પોતાના મિશનમાં સદંતર નિષ્ફળ ગયા છે.

એવી વાત પણ મળે છે કે ખોડલધામના ચેરમેનશ્રીએ રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે તથા સંભવતઃ મુખ્યમંત્રી વિજયભાઇ સાથે પણ કેટલીક વાતો કરી હતી. સરકાર સમક્ષ ચોક્કસ પરિણામો આવશે અને હાર્દિક પારણા કરી લેશે તેવી ચર્ચા થયાનું અને સરકારને તેમાં કોઇ વાંધો ન હોવાની વાતો પણ થયાનું ભારે ચર્ચાય છે. ત્યારે પારણા તોડવામાં નરેશભાઇને કોઇ સફળતા મળી નથી અને હાર્દિક પટેલ સોલા હોસ્પિટલમાં છઠ્ઠા માળે કિડની વિભાગમાં દાખલ થઇ ગયાનું જાણવા મળે છે. જો કે, ડોકટરના કહેવા પ્રમાણે સખ્ખત નબળાઇ છે પરંતુ તેમના જીવનને કોઇ જોખમ નથી એવું પણ આ ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.

સરકાર તરફથી અનેક વાર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અને આજે પણ આ બાબત ચર્ચાઓમાં પણ ચર્ચવામાં આવી છે કે અનામત અથવા તો સંપૂર્ણ ખેડૂત દેવા માફી બંધારણીય રીતે પણ સરકાર આપી શકે તેમ નથી. ખેડૂત દેવા માફીની રકમ વર્ષે ૨પં૦૦૦ કરોડ થવા જાય છે. જે આ બે બાબતો સરકાર માટે સ્વીકારવી અસંભવ છે તેમ જાણકાર વર્તુળો કહે છે.

એવું પણ મનાય છે કે, હાર્દિક પટેલ  જૂથ કોઇ નવો દાવ ખેલવા માંગે છે અને કેટલાક ગામો અને શહેરોને બાદ કરતા રાજ્યવ્યાપી આ આંદોલનને કોઇ સમર્થન મળ્યું નથી.

નરેશભાઇ હજુ અમદાવાદ જ રોકાયા છે ત્યારે હાર્દિક પટેલને ઉપવાસ છોડાવવામાં સફળ થાય છે કે કેમ તે તરફ સૌની મીટ મંડાઇ છે. ત્યારે ખોડલધામ અને ઉમિયાધામના ટોચના પાટીદાર વડીલો અને આગેવાનો આજે આ બાબતે મળી રહ્યાની વિગતો  પણ બહાર આવી રહી છે.

તસવીરમાં સોલા હોસ્પિટલે લઇ જવાઇ રહેલ હાર્દિક પટેલ નજરે પડે છે. તેને એમ્બ્યુલન્સમાં સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. હાર્દિકને સખ્ખત નબળાઇ છે અને કિડની ઉપર પણ અસર થયાનું જાણવા મળે છે.

 

(4:15 pm IST)