Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાહુલને વિદૂષક કહેતા કોંગ્રેસ ભડકીઃ ચંદ્રશેખર રાવને ગણાવ્યા 'PMની કઠપૂતળી'

નવી દિલ્હી તા. ૭ :  તેલંગણાના કાર્યવાહક મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ દ્વારા રાહુલ ગાંધીને સૌથી મોટા વિદૂષક કહેવામાં આવતા કોંગ્રેસે ગુરુવારે પલટવાર કર્યો છે અને કહ્યું કે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના પ્રમુખ આધુનિક યુગના 'મોહમ્મદ બિન તુગલક' છે અને 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કઠપૂતળી' છે. પાર્ટીના મુખ્ય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ એવો પણ આરોપ લગાવ્યો કે રાવે તેલંગણાની જનતા સાથે 'વિશ્વાસઘાત' કર્યો છે.  રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે ચંદ્રશેખર રાવ આધુનિક યુગના મોહમ્મદ બિન તુગલક છે. તેઓ ભાજપ અને વડાપ્રધાનની કઠપૂતળી છે. તેઓ તેવા લોકો સાથે ઊભા છે જેમણે તેલંગણાના ગઠનનો વિરોધ કર્યો અને તેલંગણાના લોકોને આપવામાં આવેલા વચનો પૂરા કર્યા નહીં. રાવે રાજય સાથે વિશ્વાસઘાત કર્યો છે.

વાત જાણે એમ છે કે તેલંગણા વિધાનસભાને સમય પહેલા ભંગની જાહેરાત બાદ રાવે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાવે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટવા અને આંખ મારવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે 'રાહુલ ગાંધી આ દેશના સૌથી મોટા વિદૂષક છે.

(3:40 pm IST)