Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહના નામ પર રાખવા પાકિસ્તાની કોર્ટનો આદેશ

બ્રિટિશ શાસનમાં 87 વર્ષ પહેલા સ્વતંત્રતાસેનાની સરદાર ભગતસિંહને અહીં ફાંસી અપાઈ હતી

પાકિસ્તાની એક અદાલતે લાહોર જિલ્લા તંત્રને નિર્દેશ આપ્યો છે કે તેઓ શાદમાન ચોકનું નામ બદલીને સ્વતંત્રતાસેનાની ભગતસિંહના નામ પર રાખવાનો નિર્ણય કરે. બ્રિટિશ શાસન દરમિયાન 87 વર્ષ પહેલા સ્વતંત્રતાસેનાની સરદાર ભગતસિંહને અહીં ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહ અને તેમના સાથીદારો રાજગુરુ અને સુખદેવને પૂર્વવર્તી લાહોર જેલમાં 23 માર્ચ-1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી. શાદમાન ચોક આ સ્થાન પર બનેલો છે.

લાહોર હાઈકોર્ટના ન્યાયાધીસ શાહીદ જમીલ ખાને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઈમ્તિયાઝ રાશિદ કુરૈશીની અરજી પર સુનાવણી કરતા લાહોરના નાયબ કમિશરનને આદેશ કર્યો છે કે તેઓ કાયદાની મર્યાદામાં રહીને શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહના નામ પર રાખવા બાબતે નિર્ણય કરે. અરજદારની દલીલ છે કે ભગતસિંહ સ્વતંત્રતાસેનાની છે. તેમણે પોતાના સાથીદારો સાથે મળીને આઝાદી માટે બલિદાન આપ્યું છે.

તેમણે કહ્યુ છે કે પાકિસ્તાનના સંસ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાએ પણ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યુ હતુ કે તેમણે ભારતીય ઉપખંડમાં ભગતસિંહ જેવો બહાદૂર વ્યક્તિ જોયો નથી. અરજદારની દલીલ હતી કે ન્યાયના દ્રષ્ટિકોણથી શાદમાન ચોકનું નામ ભગતસિંહના નામ પર રાખવામાં આવે તે યોગ્ય છે

(12:00 am IST)