Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભીમા કોરેગાંવ કેસ : ૧૨મી સુધી સુનાવણીને ટાળી દેવાઈ

સુપ્રિમ કોર્ટે પોલીસને જોરદાર ફટકાર લગાવી : પોલીસને જરૂરી સાવધાની દાખવવાની જરૂર છે : સુપ્રિમ

નવી દિલ્હી,તા. ૬  : માનવ અધિકાર કાર્યકરોના નકસલવાદી લીન્કના મામલામાં સુપ્રિમ કોર્ટમાં સુનવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે પુણે પોલીસને આજે જોરદાર ફટકાર લગાવી હતી. સાથે સાથે કોર્ટે મામલાની સુનાવણી ૧૨મી સપ્ટેમ્બર સુધી ટાળી દીધી હતી. હજુ સુધી માટે કોર્ટે આરોપીઓને હાઉસ એરેસ્ટને જારી રાખવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે તમામ આરોપીઓેને હાલમાં હાઉસ અરેસ્ટ હેઠળ રાખવામાં આવશે. સુપ્રિમ કોર્ટમાં જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું હતું કે પોલીસે આ વાત કેમ કહી છે કે મામલામાં સુપ્રિમ કોર્ટને દરમિયાનગીરી કરવી જોઈએ નહીં. પોલીસના આ પ્રકારની પ્રતિક્રિયા યોગ્ય દેખાતી નથી. કોર્ટે કહ્યું હતું કે પોલીસમાં, પ્રેસમાં નિવેદન કરવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરવામાં ન આવે તે જરૂરી છે. કોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે પોલીસને સાવધાની રાખવાની જરૂર છે. અમે આ મામલામાં ખૂબ જ ગંભીર છીએ. કોર્ટમાં સુનાવણી દરમિયાન કોંગ્રેસી નેતા અને સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલાની તપાસ એસઆઈટી પાસેથી કરાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભીમા કોરેગાંવ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના થવી જોઈએ. બીજી બાજુ સરકાર તરફથી રજુ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટને પોતાનું કામ કરવા દેવાની તક આપવી જોઈએ.

નકસલવાદી લીન્કના મામલામાં આરોપીઓની ધરપકડ પર સતત ઉઠી રહેલા પ્રશ્નોના જવાબમાં મહારાષ્ટ્ર પોલીસે સ્પષ્ટતા કરી હતી કે એડીજીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પુરાવા રજુ કરવામાં આવી રહ્યા છે. એડીજી પરમવીરસિંહે કેટલાક દસ્તાવેજો રજુ કર્યા હતા. જેને દર્શાવીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. માનવ અધિકાર કાર્યકરોના કથિત લીંકના મામલામાં મહારાષ્ટ્ર પોલીસે સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. સુપ્રિમ કોર્ટે ૬ સપ્ટેમ્બર સુધી જેલ ન મોકલવા નિર્દેશ જારી કર્યા હતા.

(12:00 am IST)