Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સવર્ણોના ભારત બંધ દરમિયાન અનેક ભાગોમાં હિંસાના બનાવ

બિહારમાં ટ્રેનોને રોકવામાં આવી, મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ બંધ : એસસી અને એસટી એક્ટમાં કરવામાં આવેલા સુધારા બાદ સવર્ણ સંગઠનો તરફથી ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો : ઘણી જગ્યાએ અસર ન રહી

નવી દિલ્હી, તા. ૬ : કેન્દ્ર સરકાર દ્વારા એસસી-એસટી એક્ટમાં કરવામાં આવેલા સુધારાની સામે સવર્ણો દ્વારા આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યા બાદ કેટલાક ભાગોમાં હિંસક દેખાવ કરવામાં આવ્યા હતા. બિહારમાં ટ્રેનો રોકવામાં આવી હતી. ભારત બંધની સૌથી વધારે અસર બિહારમાં જોવા મળી હતી. મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ પંપો બંધ રહ્યા હતા. મજબૂત સુરક્ષા અને એલર્ટ વચ્ચે ભારત બંધ દરમિયાન અપેક્ષા મુજબ સ્થિતિ વધારે વણસી ન હતી. બિહારના અલગ અલગ જિલ્લામાં હિંસક દેખાવો કરવામાં આવ્યા હતા. ટ્રેનોની સાથે માર્ગો ઉપર પણ ચક્કાજામની સ્થિતિ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં ડ્રોન મારફતે નજર રાખવામાં આવી હતી. લોકોએ કાળા વસ્ત્રો પહેરીને દેખાવો કર્યા હતા. બિહારના આરા જિલ્લામાં રેલવે સ્ટેશનમાં સવર્ણોએ ટ્રેન રોકીને દેખાવો કર્યા હતા. મધુબાનીમાં નેશનલ હાઈવે નં.૧૦૫ ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જવામાં આવી હતી. લાંબા જામના લીધે મોટી સંખ્યામાં લોકો અટવાયા હતા. નેશનલ હાઈવે ૩૧ ઉપર પણ કેન્દ્ર સરકારની યોજના સામે દેખાવો કરવામાં આવ્યા હતા. સીતામઢીમાં દરભંગા-રકસોલમાં ટ્રેનો રોકવામાં આવી હતી. સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને બિહારમાં રોકવામાં આવી હતી. નાલંદામાં આગની ઘટનાઓ બની હતી. મધ્યપ્રદેશમાં બંધના લીધે સ્કુલો-કોલેજો બંધ રહ્યા હતા. પેટ્રોલ પંપ માલિકોએ પેટ્રોલ પંપ બંધ રાખ્યા હતા. રાજસ્થાનના ૧૦ જિલ્લામાં અને મધ્યપ્રદેશના ૩૫ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરાઈ હતી. ઉત્તરપ્રદેશમાં પૂતળા દહનના કાર્યક્રમો યોજાયા હતા. એલર્ટની વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. દેશના જુદા જુદા  ભાગોમાં સ્થિતી સવારથી જ તંગ રહી હતી. ભારત બંધના એલાનના કારણે દેશના સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરવામાં આવી હતી. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવ્યા બાદ પણ કેટલાક વિસ્તારોમાં હિંસા થઇ હતી. ભોપાલથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૩૫ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. સુરક્ષા દળોની ૩૪ કંપનીઓ અને ૫૦૦૦ સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. બિહારના દરભંગા અને મુંગેર જેવા વિસ્તારમાં દેખાવકારોએ ટ્રેનો રોકી હતી. દેશભરમાં ભારત બંધના કારણે કેટલાક વિસ્તારોમાં બંધની અસર વધારે દેખાઇ હતી. જ્યારે કેટલાક વિસ્તારમાં બંધની કોઇ અસર રહી ન હતી. એનસીઆર વિસ્તારમાં વહીવટીતંક્ષ દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં બંધની મજબુત અસર રહી હતી. જ્યારે કેટલાક રાજ્યોમાં તેની કોઇ અસર રહી ન હતી. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય જનજીવન રહ્યુ હતુ. આજે ભારત બંધની અસર ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં વધારે દેખાઈ હતી. આ તમામ રાજ્યોમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. દેશના અન્ય રાજ્યોમાં પણ સવર્ણો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. સવર્ણ સમાજના લોકો દેખાવ કરવા માટે જાહેર રસ્તા પર આવી ગયા હતા. હરિયાણા સહિત ઉત્તર ભારતમાં બંધની અસર વધારે દેખાઇ હતી. ભારત બંધ હેઠળ મધ્યપ્રદેશ સૌથી વધારે સંવેદનશીલ રહ્યું હતું. જ્યાં પોલીસ અને સંબંધિત વિભાગના લોકો સંપૂર્ણપણે સજ્જ રહ્યા હતા. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર દ્વારા એસસી-એસટી એક્ટમાં કરવામાં આવેલા સુધારના વિરોધમાં આ બંધની હાકલ કરવામાં આવી હતી. સવર્ણો તરફથી આપવામાં આવેલા ભારત બંધના એલાનમાં કેટલાક અન્ય સમુદાયના લોકો પણ જોડાયા હતા. મહારાષ્ટ્રના ઠાણેમાં નવ ઘરમાં દેખાવકારોએ હિંસક દેખાવ કર્યા હતા. લોકોએ કેટલાક વિસ્તારમાં બળજબરીપૂર્વક બંધ કરવાના પ્રયાસો કર્યા હતા. બિહારમાં ટ્રેનો રોકવામાં આવી હતી. કેટલાક વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના સતના, ભીંડ, શવપુર, ગ્વાલિયર અને અન્ય જિલ્લામાં સરકારને કલમ ૧૪૪ લાગુ કરવાની ફરજ પડી હતી. એસસી-એસટી એક્ટના દુરુપયોગને રોકવા માટે સુપ્રીમ કોર્ટે ૨૦મી માર્ચે મહત્વપૂર્ણ ચુકદો આપ્યો હતો. જેમાં કેટલીક બાબતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગ્વાલિયર અને અન્ય વિસ્તારમાં સૌથી વધારે અસર દેખાઇ હતી. અહીં સ્કુલ, કોલેજો અને પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યા હાત. બિહારમાં માર્કેટ બંધ રાખવામાં આવ્યા હતા. દરભંગામાં ટ્રેન રોકાઇ હતી.

(12:00 am IST)