Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

નિરવ મોદીના કૌભાંડ બાદ આરબીઆઇ હજુ પણ ચિંતીતઃ 25 બેન્‍કોને શો-કોઝ લેટર મોકલીને ખુલાસા પુછાયા

મુંબઈ:નીરવ મોદીના કૌભાંડના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હજુ પણ ચિંતિત છે. તેણે SWIFT સિસ્ટમની ખામીઓ દૂર કરવા બદલ કેટલીક બેન્કોને શો કોઝ લેટર મોકલ્યા છે. SWIFT વૈશ્વિક ફાઇનાન્શિયલ મેસેજિંગ સિસ્ટમ છે જેનો પંજાબ નેશનલ બેન્કના અધિકારીઓએ દુરુપયોગ કર્યો હતો અને તેથી નીરવ મોદી તથા તેના મામા મેહુલ ચોક્સી બે અબજ ડોલરની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા.

જાન્યુઆરી 2018માં કૌભાંડ બહાર આવ્યા બાદ સેન્ટ્રલ બેન્કે તમામ બેન્કોના સીઇઓને એક કોન્ફિડેન્શિયલ એડ્વાઇઝરી મોકલી હતી જેમાં તેમને આવા ફ્રોડ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. પરંતુ હવે તેને જાણવા મળ્યું છે કે ઘણી બેન્કોએ હજુ પગલાં લીધાં નથી. તેથી રેગ્યુલેટરે તેમને વિલંબની સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

પીએનબીમાં વર્ષો સુધી છેતરપિંડી ચાલુ હોવા છતાં કોઈનું ધ્યાન ગયું હતું કારણ કે SWIFT સિસ્ટમ તેની કોર બેન્કિંગ સિસ્ટમ સાથે સંકલિત હતી. કેટલાક મુઠ્ઠીભર અધિકારીઓ SWIFT નેટવર્કનો ઉપયોગ કરીને બિનસત્તાવાર રીતે લેટર ઓફ અંડરટેકિંગ (એલઓયુ) ઇશ્યૂ કરતા હતા. એલઓયુ બેન્કોની અર્ધ-ગેરંટી હોય છે જેના દ્વારા વિદેશમાં નાણાં એકત્ર કરી શકાય છે. કૌભાંડમાં જૂના એલઓયુને રોલ ઓવર કરીને મોટી રકમના નવા લેટર બનાવવામાં આવતા હતા અને કૌભાંડ આગળ વધતું જતું હતું.

ઓગસ્ટના અંતમાં ઇશ્યૂ કરવામાં આવેલા શો કોઝ લેટર્સમાં આરબીઆઇએ લગભગ ૨૫ બેન્કોમાં ખામી શોધી હતી તેમ બે બેન્કર્સે જણાવ્યું હતું. એક વ્યક્તિએ કહ્યું કે, “ભયનો માહોલ છે. મને લાગે છે કે બેન્કોને મોટા ટ્રાન્ઝેક્શન માટે બે પગલાંના ઓથેન્ટિકેશનનું પાલન કરવા જણાવાયું છે. કેટલાંક પગલાં બેન્કને ધીમી કરી શકે છે. પરંતુ કૌભાંડ પછી આટલી રકમ તો ચૂકવવી પડે.”

બેન્કોને સૂચના આપવામાં આવી છે કે સંલગ્ન સીબીએસએકાઉન્ટિંગ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન દેખાય ત્યારે SWIFT મેસેજ મોકલવામાં આવે. બીજું, તેમણે સીબીએસ-એકાઉન્ટિંગ સિસ્ટમ અને સ્વિફ્ટ મેનેજિંગ સિસ્ટમ વચ્ચે 30 એપ્રિલ 2018 સુધીમાં પ્રોસેસિંગ ગોઠવવાનું હતું. ઉપરાંત બેન્કોને એક વિસ્તૃત ટાઇમલાઇન પણ આપવામાં આવી હતી.

(12:00 am IST)