Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અંતિમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાનો 88 રને શાનદાર વિજય :4-1 થી ટી20 શ્રેણી પર કબ્જો

વેસ્ટ ઈન્ડિઝ સામે 189 રનનો પડકાર ભારતે રાખ્યો : ક્ષર પટેલે શરુઆતની ત્રણ વિકેટ ઝડપી લઈને વેસ્ટ ઈન્ડિઝને ઘૂંટણિયે લાવી દીધું

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી20 સિરીઝનો અંત થયો છે. ભારતે આ સિરીઝ 4-1 થી જીતી લીધી છે. ભારતે આ પહેલા વન ડે સિરીઝ પણ શાનદાર અંદાજમાં જીતી લીધી હતી. આમ ભારતીય ટીમનો કેરેબિયન પ્રવાસ શાનદાર રહ્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની આશાઓ ફરી એકવાર નિરાશાજનક રહી હતી. અંતિમ ટી20 મેચમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. અંતિમ મેચમાં રોહિત શર્માને આરામ અપાતા, હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળ્યુ હતુ. ભારતે શ્રેયસ અય્યરની અડધી સદીની મદદ થી વેસ્ટ ઈન્ડિઝ સામે 189 રનનો પડકાર 7 વિકેટે રાખ્યો હતો.

ભારતીય બોલીંગ આક્રમણ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ રીતસરની ઘૂંટણીયે પડી ગઈ હતી. શૂન્ય રને જ ભારતીય બોલર અક્ષર પટેલે વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરુઆત કરાવી હતી. અક્ષર પટેલે શરુઆતની ત્રણ વિકેટ ઝડપી લઈને વેસ્ટ ઈન્ડિઝને પરેશાન કરી દીધુ હતુ. બાકીનુ કાર્ય કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈએ પોતાના શાનદાર બોલીંગ પ્રદર્શન વડે કર્યુ હતુ. એક જ ઓવરમાં બે બે વિકેટ બંનેએ વારાફરતી ઝડપતા વેસ્ટ ઈન્ડિઝની હાર નિશ્ચિત બની ગઈ હતી.

શિમરોન હેટમાયરે એકલા હાથે ચોગ્ગા અને છગ્ગમા જમાવીને વેસ્ટ ઈન્ડિઝ માટે સંઘર્ષની સ્થિતીમાં પ્રદર્શન જારી રાખ્યુ હતુ. પરંતુ બીજા છેડે તેને સાથ પૂરાવવા માટે કોઈ જ ક્રિઝ પર ટકીને ઉભુ રહી શક્યુ નહોતુ. જેને લઈ વેસ્ટ ઈન્ડિઝની હાર નિશ્ચિત બની હતી.

 

(11:45 pm IST)