Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

RCP સિંહે શનિવારે સાંજે JDUને અલવિદા કહી દીધું : નીતિશ કુમારે તાકીદે સાંસદોની બેઠક બોલાવી

પાર્ટીના તમામ સાંસદોને સોમવારે સાંજ સુધીમાં પટના આવવા માટે કહેવામાં આવ્યું : બેઠકમાં JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પણ હાજર રહેશે

પટના, તા.07 : RCP સિંહે શનિવારે સાંજે JDUને અલવિદા કહી દીધું હતું. જેને કારણે બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમજ મુખ્યમંત્રી નીતિશ કુમારે JDUનાં તમામ સાંસદોને સોમવારે સાંજ સુધીમાં પટના આવવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં તેઓએ સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પણ હાજર રહેશે.

બેઠકનો વિષય હજુ જાહેર કરવામાં આવ્યો નથી. જેમાં ભાજપ સાથેના ગઠબંધનના ભાવિ પર ચર્ચા થઈ શકે છે. JDU નેતા અને બિહારના શિક્ષણ મંત્રી વિજય ચૌધરીએ કહ્યું છે કે, તેમની પાર્ટી કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ નહીં થશે. તેમનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી કેબિનેટમાં JDU ક્વોટામાંથી કોઈને પણ મંત્રી બનાવવામાં નહીં આવશે. તેના વિશે નીતીશ કુમાર પહેલા જ એલાન કરી ચૂક્યા છે. હજુ પણ આ જ સ્ટેન્ડ કાયમ રહેશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહ પર પાર્ટી વતી અગણ્ય સંપત્તિ બનાવવાનો આરોપ હતો. આ મામલામાં તેમને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. આ પછી આરસીપી સિંહે શનિવારે સાંજે JDUને અલવિદા કહી દીધું હતું. તેમનો નીતિશ કુમાર સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. JDUએ આરસીપી સિંહની રાજ્યસભાની ટિકિટ કાપી અને પછી તેમને કેન્દ્રીય પ્રધાન પદ છોડવું પડ્યું. RCP સિંહ કેન્દ્રમાં JDU ક્વોટામાંથી એકમાત્ર મંત્રી હતા.

દેશમાં 2024માં લોકસભા ચૂંટણી યોજાશે અને તેના એક વર્ષ બાદ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. છેલ્લા દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પટનામાં બીજેપી સમ્મેલન દરમિયાન સ્પષ્ટ કરી દીધુ હતું કે, આગામી ચૂંટણી JDUની સાથે મળીને લડવામાં આવશે. જોકે, JDU ના નેતાઓ ગઠબંધન અંગે સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા. તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે કહ્યું હતું કે, અમે ભાજપ સાથે ગઠબંધનની વાતને નકારી નથી રહ્યા પરંતુ હમણા તેના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. ચૂંટણી આવે ત્યારે જોયું જશે.

(7:23 pm IST)