Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ઈઝરાયેલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કર્યા : બાળકો અને મહિલાઓ સહિત 24 લોકોના મોત, 203 ઘાયલ

પેલેસ્ટાઈન ચળવળ ઈસ્લામિક જેહાદ વિરુદ્ધ ઈઝરાયેલનો હવાઈ હુમલો : ઈઝરાયલના સંરક્ષણ દળોએ ગાઝા પટ્ટીમાં બ્રેકિંગ ડોન ઓપરેશન શરૂ કર્યું

નવી દિલ્લી તા.07 : ઈઝરાયેલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કર્યો છે. પેલેસ્ટાઈન આંદોલન ઈસ્લામિક જેહાદ વિરુદ્ધ ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે અને 203 ઘાયલ થયા છે, એમ પેલેસ્ટાઈન એન્ક્લેવના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે, "ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે છ બાળકો અને મહિલાઓ સહિત 24 લોકોના મોત થયા છે અને 203 લોકો ઘાયલ થયા છે." આ પહેલા શુક્રવારે પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ઈઝરાયલના સંરક્ષણ દળોએ ગાઝા પટ્ટીમાં ઈસ્લામિક જેહાદ ચળવળ સામે હવાઈ હુમલા કરીને બ્રેકિંગ ડોન ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે શરૂઆતમાં 10 લોકો માર્યા ગયા હતા અને 50 લોકો ઘાયલ થયા હતા.

અહેવાલો અનુસાર પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ ચળવળના નેતા ઝિયાદ નખાલાહે ઈઝરાયેલના હવાઈ હુમલાનો જવાબ તેલ અવીવ પર મિસાઈલ હુમલાથી આપવાની ધમકી આપી છે. ઈઝરાયેલ ઈમરજન્સી લાદ્યા બાદ મિસાઈલ હુમલાને મુલતવી રાખતું રહ્યું છે, પરંતુ આ સમયગાળા દરમિયાન તે ગાઝા પટ્ટીમાં સતત નવા હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયેલ પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ આંદોલન સાથે જોડાયેલા લોકોને આતંકવાદી ગણાવે છે. નવીનતમ માહિતી અનુસાર, ઇઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટીમાં ઇસ્લામિક જેહાદ આંદોલનકારીઓની સુરંગો પર હવાઈ હુમલા કરી રહી છે. ભૂતકાળમાં પણ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણો તણાવ રહ્યો છે.

(7:22 pm IST)