Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ચીનમાં કોરોનાએ ફરી તબાહી મચાવી ! : ચીનના લોકપ્રિય ટાપુ હેનાનમાં હજારો પ્રવાસીઓ ફસાયા

કોરોનાનાં કેસો વધતાં સાન્યા શહેરની ફ્લાઇટ્સ અને ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી : બેઇજિંગે વ્યાપક લોકડાઉન લાગુ કર્યું

નવી દિલ્લી તા.07 : ચીનમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. અને અને કોરોનાનાં કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે. ચીન મીડિયાના અહેવાલો અનુસાર, સાન્યા શહેરની ફ્લાઇટ્સ અને ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. જેને કારણે ચીનનું હવાઈ કહેવાતા  લોકપ્રિય ટાપુ હેનાનમાં હજારો પ્રવાસીઓ ફસાયેલા છે.

શૂન્ય-કોવિડ નીતિને અનુસરીને, જ્યારે ચેપનો કેસ સામે આવે છે. ત્યારે બેઇજિંગે વ્યાપક લોકડાઉન લાગુ કર્યું છે. સાન્યાના ડેપ્યુટી મેયરના જણાવ્યા અનુસાર, શહેરમાં હાલમાં 80,000 થી વધુ પ્રવાસીઓ છે. સરકારી ટેલિવિઝન મુજબ, શહેરમાં તમામ જાહેર પરિવહન શનિવારે સ્થગિત કરવામાં આવ્યું હતું, જ્યારે સાન્યા એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ રવિવારે રદ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં મુસાફરો કહેતા જોવા મળે છે કે અમે ઘરે જવા માંગીએ છીએ. તે જ સમયે, એરપોર્ટ અધિકારીઓ તેમને મેગાફોન પર તેમની હોટેલ પરત ફરવાની અપીલ કરી રહ્યા છે. રોગચાળાની શરૂઆતથી, ચીનમાં કુલ 2,30,886 કોવિડ -19 કેસ નોંધાયા છે. તે જ સમયે 5,226 મૃત્યુ નોંધાયા છે.

(7:21 pm IST)