Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ભવ્ય રામ મંદિર નિર્માણનું કાર્ય વેગવંતુ : નિયત સમયમાં કામ પુરૂ કરવાનું લક્ષ્ય

રામનગરીમાં એરપોર્ટ, ફાઇવ સ્ટાર હોટલ બનશે : અયોધ્યાથી ચિત્રકુટ, મધ્યપ્રદેશ વચ્ચે ૩૦૦ કરોડના ખર્ચે રામજીના વનવાસ દરમિયાનના સ્થળોને જોડતા કોરીડોરનું નિર્માણ

અયોધ્યા, તા. ૭ : પાંચ ઓગસ્ટના રોજ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ભૂમિ પૂજન અને શિલાન્યાસ સંપન્ન કરી રામ મંદિર નિર્માણની શુભ શરૂઆત કરી છે.

નરેન્દ્રભાઇની અયોધ્યા આવવાની સૂચના બાદ તેમની સુરક્ષા વ્યવસ્થા અને સમારોહના કારણે રામજન્મ ભૂમિ ઉપર ચાલી રહેલ કામ બંધ કરી દેવાયેલ, પણ તમામ પ્રોટોકોલ પૂર્ણ થતાં ફરી કામ શરૂ થવા જઇ રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને એલએનટી કંપનીના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધેલ.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જલ્દીથી જલ્દી મંડપ હટાવી સાફ સફાઇના આદેશ આપ્યા છે જેથી નિર્માણ કાર્યમાં ઝડપ લાવી શકાય.

ચોમાસામાં પાયાનું કામ મુશ્કેલ

ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવેલ કે મંદિર નિર્માણ માટે સાફ-સફાઇ અને પાયાનું કામ શરૂ થનાર છે. આ કામના જાણકાર લોકો મુજબ વરસાદની સીઝનમાં પાયાના કામ શરૂ થવા મુશ્કેલી છે. વરસાદના કારણે આ કાર્ય વધુ ધીમુ પડી શકે છે. મંદિરના પાયા અને ગ્રાઉન્ડ ફલોરના કામમાં ૧૮ મહિના લાગી શકે છે.

મંદિર પહેલા કરોડોના પ્રોજેકટ પૂરા થશે

અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસ બાદ નિર્માણ કાર્ય વેગવંતુ કરવામાં આવી રહ્યું છે. જોકે ભકતોને રામલલ્લાના દર્શન કરવા માટે સાડા ત્રણ વર્ષ હજુ રાહ જોવી પડશે, પણ તે પહેલા રામનગરીમાં ઘણા બદલાવ આવશે. કેન્દ્ર સરકાર મંદિર પહેલા અયોધ્યામાં કરોડોના પ્રોજેકટ ઉપર કામ કરશે, જેમાં રામવન ગમન પથ સરકારની પ્રાથમિકતા છે. આ સીવાય પર્યટનને ધ્યાને રાખી એરપોર્ટ, ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ પણ અયોધ્યા સાથે જોડાશે. અન્ય સુવિધાઓની સાથો સાથ મોદી સરકાર કોરીડોર બનાવવા અંગે પણ જાહેરાત કરશે.

૩૭પ કિ.મી. લાંબા રામવન ગમન કોરીડોર ર૦ર૧ સુધીમાં બનાવાશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે અયોધ્યામાં રામમંદિર નિર્માણ સાડા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન પુરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પહેલા કેન્દ્રની અતિ મહત્વકાંક્ષી યોજના હેઠળ ભગવાન રામ ૧૪ વર્ષ વનવાસ દરમિયાન જે જે રસ્તાઓ પરથી પસાર થયેલ ત્યાં ૩૭પ કિલોમીટર લાંબા રામવન ગમન પથનું નિર્માણ કરવામાં આવશે. કોરીડોરમાં ભગવાન રામ સાથે જોડાયેલ ધાર્મિક સ્થળોનો વિકાસ કરાશે. રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયના અધિકારીઓ મુજબ અયોધ્યાથી ચિત્રફુટ, મધ્યપ્રદેશ વચ્ચે ૩૦૦ કરોડના ખર્ચથી કોરીડોર બનાવાશે. આ અંગેનું ૯૦ ટકા કામ પુરૂ થઇ ચૂકયું છે. ર૦ર૧ સુધીમાં કોરીડોર પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે.

અયોધ્યામાં અનેક સુવિધાઓ અપાશે

મંદિર નિર્માણ પહેલા રામનગરી અયોધ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અપાશે. જેમાં ઉત્તમ રસ્તાઓ, પૂર્વાચલ એકસપ્રેસ વે, એરપોર્ટ, ફાઇવ સ્ટાર હોટલ અંગે કામ કરાશે. આ અંગે અયોધ્યા તીર્થ વિકાસ પરિષદે પ્રસ્તાવ મૂકયો છે.

(2:31 pm IST)