Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કેરળના ઈડ્ડુકીમાં વિનાશકારી વરસાદઃ ભૂસ્ખલનમાં ૧૮ મોત

૭૦થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા : ચાના બગીચામાં કામ કરતા લોકોનાં ઘરો તણાઈ ગયાં

તિરુવનંતપુરમ, તા. ૭ : કેરળના ઈડુક્કી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદથી વિનાશ વેરાયો છે. જિલ્લાના રાજમલામાં ભૂસ્ખલનથી ૧૮ લોકોના મોત થયાં છે. કેરળના ઘણા વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ૭૦થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલુ છે.

 કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે મોબાઈલ ટીમ અને ૧૪ એમ્બ્યુલન્સ મોકલાઈ છે. અત્યાર સુધીમાં ૧૦ લોકોને બચાવી લેવાયા છે. આ વિસ્તાર પર્યટન સ્થળ મુન્નારથી ૨૫ કિમી દૂર છે. જે જગ્યાએ ભૂસ્ખલન થયું તે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની કોલોની હતી. લેન્ડ સ્લાઈડથી આખો વિસ્તાર સંકજામાં આવી ગયો. કાટમાળમાં મજૂરોના ૨૦થી વધુ ઘર વહી ગયા. મળતી માહિતી પ્રમાણે, મોટાભાગના મજૂર તમિલનાડુના રહેવાસી હતા.

એક અસરગ્રસ્તે જણાવ્યું કે,જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે અમે જોરથી અવાજ સાંભળ્યો હતો. તે પછી બધુ ખતમ થઈ ગયું હતું. લોકો બચવા માટે ભાગી રહ્યા હતા, પણ પાણી અને કાટમાળમાં બધુ વહી ગયું હતું.

પૂરમાં બચેલા દીપને જણાવ્યું કે, ભૂસ્ખલન વખતે હું પપ્પા, મમ્મી અને પત્ની સાથે ઘરમાં હતો. બધું કાટમાળમાં દબાઈ ગયું. તેમને આંખમાં વાગ્યું છે. મમ્મીની હાલત નાજૂક છે. તેમણે જણાવ્યું કે,મારા પિતા અને પત્ની હજુ સુધી મળ્યા નથી.

હવામાન વિભાગે ૧૧ ઓગસ્ટ સુધી ઈડુક્કી, મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે ભારે વરસાદના કારણે ઈડુક્કી જિલ્લામાં અસ્થાયી પુલ ધરાશાયી થયો હતો. ઈડુક્કી જિલ્લામાં મુથિરાપુઝા નદીની જળસપાટી પણ વધી ગઈ છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

(7:16 pm IST)