Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

છ દિવસનો મૃત્યુઆંક ૬૯

કોરોનાનું કાળચક્ર વેગીલુઃ રાજકોટમાં આજે ૧૨ મોત

મૃતકોમાં ૭ રાજકોટના, એક જેતલસર (જં)ના, એક ધ્રાંગધ્રા નારીચાણાના, એક જામકંડોરણા, એક જામજોધપુર અને એક જમનાવડના દર્દીનો સમાવેશઃ એકનો રિપોર્ટ બાકીઃ એક દર્દીનું ખાનગીમાં અને ૧૧ દર્દીના સિવિલ કોવિડ સેન્ટરમાં મોત નિપજ્યા

રાજકોટ તા. ૭: કોરોનાનું કાળચક્ર રાજકોટમાં સતત ફરી રહ્યું છે. આજે પણ આ ચક્ર વેગીલુ બની આઠ જીવ ભરખી ગયું છે. કોરોનાની સારવાર હેઠળ રહેલા વધુ ૧૨ દર્દીના ભોગ લેવાયા છે. જેમાં એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં અને ૧૧ દર્દીના સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યા છે. રવિવારથી આજ સુધીમાં એટલે કે છ દિવસમાં મૃત્યુઆંક ૬૯ થયો છે.

જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર ભવાની ચોક અંકુર સોસાયટીમાં રહેતાં હાજીભાઇ ઇસ્માઇલભાઇ પરમાર (ઉ.વ.૭૦) નામના વૃધ્ધ ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર હેઠળ હતાં. તેમનું રાત્રે મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય આઠ દર્દીઓના સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યા છે. જેમાં  સત્યમ્ પાર્કના માલુબેન રઘુભાઇ (ઉ.વ.૫૬), સુભાષનગરના જયાબેન નાનજીભાઇ પરમાર (ઉ.વ.૫૫), રણછોડનગરના રામભાઇ રાઘવભાઇ કાપડીયા (ઉ.વ.૮૧-રિપોર્ટ બાકી), રણછોડનગરના મનિષભાઇ ગુલાબભાઇ સવાણી (ઉ.વ.૪૦), લક્ષ્મીવાડી મેઇન રોડના હિતેષભાઇ પ્રભાશંકરભાઇ ઉપાધ્યાય (ઉ.વ.૪૭), આજીડેમ ચોકડી માનસરોવર પાર્કના મંગાભાઇ લક્ષમણભાઇ ગોહેલ (ઉ.વ.૬૧), જામજોધપુરના પીનાબેન જીતેન્દ્રભાઇ વૈષ્ણવ (ઉ.વ.૬૨), ધોરાજી જમનાવડના શાંતાબેન વેલજીભાઇ હડીયા (ઉ.વ.૬૦),  જેતલસર(જં)ના સતારભાઇ ઇસ્માઇલભાઇ બેલીમ (ઉ.વ.૭૦), ધ્રાંગધ્રા નારીચાણાના ગોમતીબેન પરષોત્તમભાઇ જાદવ (ઉ.વ.૫૦) તથા જામકંડોરણાના દુધીબેન દેવશીભાઇ ગજેરા (ઉ.વ.૭૫)નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે રવિવાર અને સોમવાર એમ બે દિવસમાં  સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૨૩  દર્દીના મોત નિપજ્યા હતાં. મંગળવારે ૧૫ મળી ત્રણ દિવસના ૩૮ મોત થયા હતાં. એ પછી બુધવારના ૯ મળી ચાર દિવસના ૪૭ દર્દીના મોત થયા હતાં. ગઇકાલે વધુ ૧૦ દર્દીઓનો ઉમેરો થતાં પાંચ દિવસનો મૃત્યુઆંક સત્તાવન થઇ ગયો હતો. આજના વધુ ૧૨ દર્દીઓ મળી છ દિવસનો મૃત્યુઆંક ૬૯ સુધી પહોંચી ગયો છે. તમામ મૃતદેહોને અંતિમવિધી અને દફનવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવ્યા હતાં.

(3:12 pm IST)