Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હવે અમૂલ કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં મૂડી રોકાણ કરશે

સૌથી મોટી હેલ્મેટ કંપની સ્ટીલબર્ડ હાઇટેક પણ કાશ્મીરમાં ફેકટરી ઉભી કરશે

નવી દિલ્હી તા. ૭: ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ડેરી ક્ષેત્રમાં વિકાસની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ કાર્યમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) સરકારને સંપૂર્ણ સહકાર આપશે. જીસીએમએમએફ અમૂલ બ્રાન્ડના નામે દેશભરમાં દૂધનો સપ્લાય કરે છે. તાજેતરમાં જ જીસીએમએમએફના અધિકારીઓએ કાશ્મીરના રાજયપાલની મુલાકાત કરી હતી. કાશ્મીરમાં કલમ-૩૭૦ની જોગવાઇ હટયા બાદ ડેરી ઉદ્યોગમાં એક આશાનું નવું કિરણ ઊભું થયું છે. અમૂલે કાશ્મીરના ડેરી સેકટરમાં ટેકનિકલ સપોર્ટ સાથે મેનેજમેન્ટ અને દૂધ ખરીદી સિસ્ટમને ડેવલપ કરવાની ઇચ્છા વ્યકત કરી છે.

આ ઉપરાંત એશિયાની સૌથી મોટી હેલ્મેટ કંપની સ્ટીલબર્ડ હાઇટેકે પણ જમ્મુ-કાશ્મીરમાં ફેકટરી ઊભી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સ્ટીલબર્ડે કલમ-૩૭૦ હટાવવાના પગલાને આવકાર આપીને જણાવ્યું હતું કે અમે ઓકટોબરમાં યોજાનારા રોકાણકાર સંમેલનમાં ત્યાં ફેકટરી ઊભી કરવાની યોજના રજૂ કરીશું.

(3:10 pm IST)