Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

સપનામાં ભગવાન ભોલેનાથના કમંડલમાં પાણી અને શિવલિંગ પર બિરાજમાન નાગ દેવતા દેખાઈ છે. લાગી રહ્યું છે કે ભગવાન ભોલેનાથ હરિદ્વાર બોલાવી રહ્યા છેઃ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના પોલીસ કોન્‍સ્‍ટેબલે રજા માટે આવી અરજી કરી

લખનઉઃ ઉત્તર પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલે અરજી આપી પોતાના બોસ પાસે રજા માંગી છે. આ કોન્સ્ટેબલની રજાની અરજી સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે. એવું તો શું છે આ રજા ચીઠ્ઠીમાં કે લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. રજા માંગનારા કોન્સ્ટેબલ વિનોદ કુમારે એપ્લિકેશનમાં લખ્યું છે કે, ‘તેને સપનામાં ભગવાન ભોલેનાથના કમંડલમાં પાણી અને શિવલિંગ પર બિરાજમાન નાગ દેવતા દેખાઈ છે. લાગી રહ્યું છે કે ભગવાન ભોલેનાથ હરિદ્વાર બોલાવી રહ્યા છે.તેણે અધિકારીઓનો વિનંતી કરી છે કેતેને ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને હરિદ્વારથી કાંવડ લેવા માટે છ દિવસની રજા આપવામાં આવે.

મળી રહેલી જાણકારી મુજબ કોન્સ્ટેબલ વિનોદ કુમાર સિયાના પોલીસ સર્કલ બુલંદશહરમાં નોકરી કરે છે. તેણે આ અરજી ડેપ્યૂટી એસપીને 5 ઓગસ્ટના રોજ લખી છે. ઈલાહાબાદના એએસપી સુકિર્તિ માધવે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે કોન્સ્ટેબલ વિનોદ કુમારની અરજી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. તેમણે ભગવાન શિવના જળાભિષેક કરવા માટે છ દિવસની રજા માટે અરજી કરી હતી. આ પહેલી ઘટના છે કે શ્રાવણ મહિનામાં કોઈ કોન્સ્ટેબલે ભગવાન શિવના જળાભિષેક કરવા માટે આવી રીતે રજા માંગી હોય. અધિકારીઓએ તેની રજા પણ મંજૂર કરી લીધી છે.

આ પહેલા આગરામાં ડ્યૂટી પર રહેલા સિપાહી મનોજ કુમારે પોતાની રજાની અરજીમાં લખ્યું હતુ કે, ‘તેના હમણા જ નવા નવા લગ્ન થયા છે અને તેની પત્ની યાદ કરી રહી છે, એટલા માટે તેને ઘરે જવું જરૂરી છે.મનોજે તે સમયે 8 દિવસની રજા માંગી હતી. તેની અરજી પણ મંજૂર કરી તેને રજા આપવામાં આવી હતી.

(7:02 pm IST)