Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ચૂંટણી પહેલા કેન્‍દ્ર સરકાર ટેક્સટાઇલ સેક્ટરને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીમાંઃ ૩૦૦ ટેક્સટાઇલ પ્રોડક્ટ ઉપર ઇમ્‍પોર્ટ ડ્યુટી વધારવાનો સૈદ્ધાંતિક નિર્ણયઃ પાંચ કરોડ લોકોને રોજગારી આપવાનો લક્ષ્‍યાંક

નવી દિલ્હીઃ કેન્‍દ્ર સરકાર લોકસભાની ચૂંટણી પહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને બૂસ્ટર ડોઝ આપશે. જેના થકી ૨૦૨પ સુધીમાં પાંચ કરોડ લોકોને રોજગારી મળશે.

સરકારે લગભગ 300 ટેક્સટાઈલ પ્રોડક્ટ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો સૈદ્ધાંતિક નિર્ણય લઈ લીધો છે. આની નોટિફિકેશન અગામી અઠવાડીએ જાહેર થઈ શકે છે. એટલું જ નહી ટેક્સટાઈલ સેક્ટરમાં વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈ નિયમોમાં ઢીલ પણ આપી શકે છે. સૂત્રો અનુસાર, ટેક્સટાઈલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી 5-10 ટકાથી વધારી 20 ટકા સુધીની થઈ શકે છે.

નાણામંત્રીએ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેથી ફેબ્રિક, ગારમેન્ટ, મેન મેડ ફાઈબરને રાહત મળવાની સંભાવના છે. અગામી અઠવાડીયે આ મામલા પર પ્રધાનમંત્રી સાથે બેઠક છે. અગામી ચૂંટણીમાં ફાયદો મળવાની આશા સાથે સરકારને રોજગાર વધારવામાં મદદ મળવાની સંભાવના છે. ટેક્સટાઈલ સેક્ટરમાં 2025 સુધીમાં 5 કરોડ રોજગાર આપવાનું લક્ષ્ય છે.

જુલાઈમાં, ઘરેલુ વિનિર્માણને વધારવાના ઉદ્દેશ્યથી સરકારે જેકેટ, શૂટ સહિત 50થી વધારે આઈટમ પર 20 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી બે ઘણી કરી દીધી હતી.

વ્યાપાર વિશેષજ્ઞોનું કહેવું છે કે, ભારત કાપડ ક્ષેત્રને કોઈ પ્રત્યક્ષ નિકાસ પ્રોત્સાહન નહી આપી શકે, જેથી ઘરેલુ વિનિર્માણને પ્રોત્સાહિત કરવા માટે સેગમેન્ટ શરૂ કરવું ખુબ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, જૂનમાં કપડા અને દોરાનું ઈમ્પોર્ટ 8.58 ટકા વધી 168.64 મિલિયન ડોલર થઈ ગયું છે.

(12:00 am IST)