Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વડાપ્રધાને કાશીમાં 'અક્ષય પાત્ર' મીડ ડે મિલ કિચનનું ઉદ્ઘાટન કર્યું : ઉદ્ઘાટન બાદ બાળકો સાથે વાતચીત કરી

બાળકોએ વડાપ્રધાનને મંત્રો સંભળાવ્યા અને યોગ કરીને બતાવ્યા : મીડ ડે મિલ કિચનમાં રોજ એક લાખ બાળકો માટે ભોજન તૈયાર કરવામાં આવશે

વારાણસી તા. 07 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે મોક્ષની નગરી કાશીના પ્રવાસે હતા. જ્યાં તેઓએ 'અક્ષય પાત્ર' મીડ ડે મિલ કિચનનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં દરરોજ એક લાખથી વધુ બાળકો માટે ભોજન બનાવવામાં આવશે. તેમજ વારાણસીમાં વડાપ્રધાન દ્વારા 1800 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલીવાર કાશી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં બાળકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બાળકોએ વડાપ્રધાનને મંત્રો સંભળાવ્યા અને યોગ કરીને બતાવ્યા હતા.

દિલ્હીથી વારાણસી જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેઓ આજે વારાણસીમાં 1800 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં તેમણે વધુમાં લખ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ દેશને નવી દિશા આપશે. શિક્ષણ અને સંશોધન પર મંથન જરૂરી છે. નવી પેઢી પર મોટી જવાબદારી છે. આપણે તેમના મન અને તેમની આકાંક્ષાઓને સમજવાની છે. 'દેશને આગળ લઈ જવા માટે, તમામ પ્રકારના માનવ સંસાધન પ્રદાન કરવા જોઈએ. આપણા શિક્ષકો આ ભાવના જેટલી ઝડપથી આત્મસાત કરશે, તેટલો દેશને વધુ ફાયદો થશે.'

જે લક્ષ્‍યાંકો હાંસલ કરવાની દેશે કલ્પના પણ કરી ન હતી, તે બધું આજના ભારતમાં શક્ય છે. આપણે કોરોના જેવી મહામારીમાંથી કેટલી ઝડપથી સાજા થયા છીએ? આખી દુનિયાએ આ જોયું. 'નવી નેશનલ એજ્યુકેશન પોલિસી માટે, દેશના શિક્ષણ ક્ષેત્રમાં મોટા પાયા પર પણ કામ કરવામાં આવ્યું છે. આજે દેશમાં મોટી સંખ્યામાં નવી કોલેજો ખુલી રહી છે.' 'આગામી સમયમાં ભારત વિશ્વના દેશોમાં શિક્ષણ માટે એક મોટું ક્ષેત્ર બની શકે છે. અમે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને દરેક ક્ષણે જીવંત રાખી છે.'

આવો આપણે માત્ર ડિગ્રી ધારક યુવાનોને જ તૈયાર ન કરીએ, પરંતુ દેશને આગળ વધવા માટે જે પણ માનવ સંસાધનની જરૂર છે તે આપણી શિક્ષણ પ્રણાલી દેશને આપીએ. કાશીને મોક્ષની નગરી કહેવામાં આવે છે કારણ કે જ્ઞાન જ આપણા માટે મોક્ષનો એકમાત્ર માર્ગ માનવામાં આવે છે.

(8:46 pm IST)