Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ભાજપનાં નેતા કપીલ મિશ્રા કન્હૈયાલાલનાં પરિવારજનોની મદદે આવ્યા: કન્હૈયાલાલની પત્નીના ખાતામાં 1 કરોડ રૂપિયા મોકલાવ્યા

કપિલ મિશ્રાએ ક્રાઉડ ફંડિંગ દ્વારા એકત્ર કરેલ નાણાં બે ભાગમાં ટ્રાન્સફર કર્યા, રાજસ્થાન સરકારે પણ 51 લાખ રૂપિયાનો ચેક આપ્યો

ઉદયપુર તા.07 : ઉદયપુરમાં માર્યા ગયેલ કન્હૈયાલાલનાં પરિવારજનોની મદદે હવે રાજસ્થાન સરકાર આવી છે. ભાજપના નેતા કપિલ મિશ્રા દ્વારા ક્રાઉડ ફંડિંગ દ્વારા 1 કરોડ રૂપિયા એકત્ર કરી કન્હૈયાલાલની પત્નીના ખાતામાં બે ભાગમાં ટ્રાન્સફર કર્યા છે. આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયાના પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

કન્હૈયાલાલનું નુપુર શર્માના સમર્થનમાં એક આકસ્મિક પોસ્ટને કારણે ગળું કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારે કપિલ મિશ્રાએ ક્રાઉડ ફંડિંગ દ્વારા આ નાણાં એકત્ર કર્યા છે. જેને લઈ બુધવારે સાંજે ટ્વિટ પર સ્ક્રીનશોટ શેર કરતી વખતે કપિલે કહ્યું કે તેણે કન્હૈયાલાલની પત્નીના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દીધી છે.

કપિલ મિશ્રાએ ટ્વીટ કરી લખ્યું હતું કે, "તમારા એક કરોડ રૂપિયા કન્હૈયાલાલજીની પત્નીના ખાતામાં પહોંચી ગયા છે." ટ્વીટ સાથે આપવામાં આવેલા સ્ક્રીનશોટ મુજબ, 6 જુલાઈએ પહેલા 50,00,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને પછી 49,98,889 રૂપિયા મોકલવામાં આવ્યા. તાજેતરમાં કપિલ મિશ્રા પણ કન્હૈયાના ઘરે ગયો હતો અને પરિવારના સભ્યોને મળ્યો હતો. આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયાના પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

28 જૂને રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ કપિલ મિશ્રાએ તેના પરિવારને મદદ કરવા માટે ઓનલાઈન ક્રાઉડફંડિંગ શરૂ કર્યું હતું. તેણે 30 દિવસમાં 1 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્‍ય રાખ્યું હતું. પરંતુ 24 કલાકની અંદર આ રકમ મળ્યા બાદ તેણે ટાર્ગેટ વધારીને 1.25 કરોડ રૂપિયા કર્યો અને કહ્યું કે કન્હૈયાને બચાવવાના પ્રયાસમાં ઘાયલ થયેલા ઈશ્વર સિંહના પરિવારને પણ 25 લાખ રૂપિયા આપવામાં આવશે. કપિલ મિશ્રાની અપીલ પર કુલ 1.7 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

કપિલ મિશ્રાએ મહારાષ્ટ્રના અમરાવતીમાં નુપુર શર્માના સમર્થનને કારણે મૃત્યુ પામેલા ઉમેશ કોલ્હેના પરિવારને પણ મદદની જાહેરાત કરી હતી. તે ગુરુવારે અમરાવતી ગયો હતો અને પીડિત પરિવારને મળ્યો હતો. આ પહેલા બુધવારે બપોરે તેણે ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે અમરાવતીમાં ઉમેશ કોલ્હેજીના પરિવારને મળીશું. અમે તેમના પરિવારને 30 લાખ રૂપિયાની સહાય આપી રહ્યા છીએ. કાયદાકીય લડાઈમાં પણ અમે સાથે રહીશું.

(8:41 pm IST)