Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

પિયરની ખેતીની જમીન પર પરીણિત પુત્રીઓનો પણ હક્ક

અલાહાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : જૌનપુરની અરજદાર પુત્રીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને રેવન્યુ કોડની જોગવાઈઓને પડકારી હતી

પ્રયાગરાજ, તા.૭ : અલાહાબાદ હાઈકોર્ટે પરિણીત પુત્રીઓને માતા-પિતાની ખેતીની જમીનમાં એટલે કે પિયરની જમીનમાં હિસ્સો આપવાની માંગણીને અનુલક્ષીને દાખલ કરવામાં આવેલી પીઆઈએલઉપર મોટી ટીપ્પણી કરી છે. અરજીની સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, પરિણીત પુત્રીઓને પણ તેમના પિયરમાં ખેતીની જમીન મળવી જોઈએ. વાસ્તવમાં જૌનપુર ખાતેની અરજદાર પુત્રીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલદાખલ કરીને રેવન્યુ કોડની જોગવાઈઓને પડકારી હતી.

આ અરજી ઉપર હાઈકોર્ટે એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે અને સરકાર પાસે જવાબ માંગ્યો છે. જૌનપુરની પરિણીત પુત્રીઓએ પીઆઈએલદાખલ કરીને રેવન્યુ કોડ-૨૦૦૬ની કલમોની બંધારણીયતાને પડકારી છે. અરજદારે પોતાની અરજીમાં કહ્યું છે કે, રેવન્યુ કોડની કલમો ૪(૧૦), ૧૦૮, ૧૦૯ અને ૧૧૦ પરિણીત મહિલાઓને બંધારણની કલમ ૧૪, ૧૫, ૧૯(૧)(જી), ૨૧ અને ૩૦૦ એદ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. 

આ સિવાય અરજીમાં કહેવામાં આવ્યું છે કે રેવન્યુ કોડની કલમો ૧૦૮, ૧૦૯ અને ૧૧૦ અપરિણીત પુત્રીઓ, પુરુષ વંશજો અને વિધવાઓની તુલનાએ પરિણીત પુત્રીઓ સાથે ભેદભાવ કરે છે. પરિણીત પુત્રીઓને આ ક્રમમાંથી બહાર રાખવામાં આવી છે અને અગ્રતા ક્રમમાં ખૂબ જ નીચે સ્થાન આપવામાં આવ્યું છે. પરિણીત પુત્રીઓને માત્ર વારસદારોની ગેરહાજરીમાં જ વારસાનો હિસ્સો ગણવામાં આવે છે.

અરજદારે રેવન્યુ કોડની આ કલમોને રદ કરીને પરિણીત પુત્રીઓને પણ તેમના માતા-પિતાની ખેતીની જમીનમાં હિસ્સો આપવાની માંગણી કરી છે. આ પીઆઈએલખાદિજા ફારુકી તેમજ અન્ય લોકો વતી દાખલ કરવામાં આવી છે જેના ઉપર બુધવારના રોજ જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ જે જે મુનારની બેન્ચે સુનાવણી કરી હતી.

 

 

(7:55 pm IST)