Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

નાસીક પંથકના સુફી બાબાની હત્‍યા ડ્રાઇવરે જ કરી : ૩ કરોડની મિલ્‍કત કારણભૂત

બાબાએ ૪ વર્ષ પહેલા અફઘાનીસ્‍તાનથી ભાગી ભારતમાં આશરો લીધેલ : ચિંચોડીમાં ધાર્મિક વિધી પુરી થતા ડ્રાયવરે માથામાં ગોળી ઘરબી દીધેલ

મુંબઇ, તા. ૭ : મહારાષ્‍ટ્રના નાસિક જિલ્લાના યેવાલા શહેરમાં ચાર અજાણ્‍યા માણસોએ દરગાહના સેવક ખ્‍વાજા સૈયદ ઝરીફ ચિશ્‍તી (ઉ ૩૫)ની ગોળી મારીને હત્‍યા કરી હતી.  તે ચાર વર્ષ પહેલા અફઘાનિસ્‍તાનથી ભારત આવ્‍યા હતા.  પોલીસના જણાવ્‍યા અનુસાર, ખ્‍વાજા સૈયદ ઝરીફ ચિશ્‍તીનો ડ્રાઈવર અને અન્‍ય ચાર લોકો આ હત્‍યામાં સામેલ છે.  જેમાંથી ૩ને કસ્‍ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્‍ય એકની શોધ ચાલુ છે.

નાસિક ગ્રામીણના એસપી સચિન પાટીલે જણાવ્‍યું કે આ ઘટના મંગળવારે સાંજે લગભગ ૭.૩૦ વાગ્‍યે બની હતી.  તે સમયે ઝરીફ મુંબઈથી ૨૦૦ કિલોમીટર દૂર યેવલાના ચિંચોડીમાં એમઆઇડીસી વિસ્‍તારમાં એક પ્‍લોટમાં ધાર્મિક વિધિ કરી રહ્યા હતા.

તેમનો ડ્રાઈવર અને અન્‍ય ત્રણ લોકો સ્‍થળ પર હાજર હતા.  વિધિ પૂરી થતાં જ ડ્રાઈવરે બાબાના માથા પર ગોળી મારી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્‍થળે જ મોત થઈ ગયું.  ઘટના બાદ હુમલાખોરો બાબાની એસયુવી લઈને ફરાર થઈ ગયા હતા.  પ્રાથમિક તપાસમાં મિલકતના વિવાદને લઈને હત્‍યા કરવામાં આવી હોવાનું જણાય છે.

પોલીસે સૂફી બાબાની એસયુવી કબજે કરી છે.  કહેવામાં આવી રહ્યું છે કે બાબા ઝરીફને તાલિબાનોથી જીવનું જોખમ હતું. આવી સ્‍થિતિમાં તેમણે ભારતમાં આશરો લીધો હતો.  અફઘાનિસ્‍તાનથી આવ્‍યા બાદ તેઓ કર્ણાટક અને દિલ્‍હીમાં રોકાયા હતા અને  દોઢ વર્ષ પહેલા જ મહારાષ્‍ટ્રના સિન્નાર તહસીલના મીરગાંવ આવેલ.  થોડા મહિના પહેલા તેઓ ચિચોડી ગામમાં રહેવા લાગ્‍યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબા ઝરીફે એક યુટયુબ ચેનલ શરૂ કરી હતી, જેના પર તે મેલીવિદ્યા દ્વારા લોકોની સમસ્‍યાઓ હલ કરવાનો દાવો કરતો હતો.  આ ચેનલના ૨.૨૭ લાખ ફોલોઅર્સ અને લગભગ ૬ કરોડ વ્‍યૂઝ હતા.  બાબા આમાંથી કમાતા હતા.  તેમણે ભક્‍તો પાસેથી દાન પણ મેળવ્‍યું હતું.

મીડિયા રિપોર્ટ્‍સમાં એવું પણ કહેવામાં આવ્‍યું હતું કે બાબા પાસે લગભગ ૩ કરોડની સંપત્તિ છે.  તેમની પાસે યેવલામાં જ ૧૫ એકર જમીન હતી.  ભારતીય કાયદા હેઠળ, તે પોતાના નામે મિલકત ખરીદી શકતા ન હતા, તેથી તેણે પોતાના ભક્‍તોના નામે મિલકત ખરીદી હતી.  પોલીસનું કહેવું છે કે તમામ મિલકત હુમલાખોરોના નામે હતી.

પોલીસે આ હત્‍યા કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.  મામલાની ગંભીરતાને જોતા નાશિક પોલીસે આ વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં પોલીસ દળો તૈનાત કરી દીધા છે.

(4:28 pm IST)