Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

GSTની ચૂકવણી હવે આઈએમપીએસ અને યુપીઆઈ એપથી કરી શકાશે

સીબીઆઈસીએ નવા નિયમો જાહેર કર્યા

નવી દિલ્‍હી,તા. ૭ : સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇન્‍ડાયરેક્‍ટ ટેક્‍સિસ એન્‍ડ કસ્‍ટમ્‍સે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સના પોર્ટલ આઈએમપીએસ અને યુપીઆઈ જેવી પેમેન્‍ટ એપથી ટેક્‍સના જાણાં જમા કરાવવાની છૂટ આપી છે. આ માટે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સના નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવ્‍યો છે. ૨૦૨૧-૨૨ના વર્ષની વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટેના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. ગયા અઠવાડિયે જીએસટી કાઉન્‍સિલની મળેલી બેઠકમાં આ નિયમો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

૩૧મી માર્ચ ૨૦૨૨ના પૂરા થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન રૃા. ૨ કરોડનું કુલ વાર્ષિક ટર્નઓવર ધરાવનારાઓને ૨૦૨૧-૨૨નું રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્‍તિ આપી દેવામાં આવી છે. સીબીઆઈસીના આ પગલાંને પરિણામે રૃા. ૨ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારાઓને રિટર્ન ફાઈલ કરવાની જફામાંથી છૂટકારો મળશે. તદુપરાંત જીએસટી એક્‍ટની કલમ ૭૩ હેઠળ ૨૦૧૭-૧૮થી ૨૦૨૩ની ૩૦મી સપ્‍ટેમ્‍બર સુદીમાં જીએસટી એક્‍ટ હેઠળ ઓર્ડર ઇશ્‍યૂ કરવા માટેની કલમ ૭૩ હેઠળ ટેક્‍સ નક્કી કરવા માટેની સમય મર્યાદાને લંબાવી આપવામાં આવી છે. આ સિવાયના અન્‍ય કોઈ નાણાંકીય વર્ષ માટે આ પ્રકારની કોઈ જ રાહત આપવામાં આવી નથી.

પહેલી માર્ચ ૨૦૨૦થી માંડીને ૨૮મી ફેબુ્રઆરી ૨૦૨૨ના કોવિડના સમયગાળા દરમિયાન રિફંડ માટેની અરજી કરવામાં કરવામાં આવેલા વિલંબ ના સંદર્ભમાં સમય મર્યાદા લંબાવી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્‍યો છે. તેને પરિણામે જે નિકાસકારોના નિકાસના રિફંડ અટવાઈને પડેલા છે તે રિફંડના નાણાં પાછા મેળવી લેવાની તેમને તક મળશે. કોવિડને કારણે જે કરદાતાઓએ તેમનો જીએસટી જમા ન કરાવ્‍યો હોય કે જમા કરાવવા પાત્ર બનતા ટેક્‍સથી ઓછી રકમ જમા કરાવી હોય તેવા કિસ્‍સાઓમાં પણ સમયમર્યાદા લંબાવી આપવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. તેવી જ રીતે  રિફંડના ક્‍લેઈમ મૂકવાની સમય મર્યાદા ચૂકી ગયેલાઓને પણ સમય લંબાવી આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. સરકારે આ ફેરફારો કરીને રેવન્‍યુ લીકેજ અટકાવવાની સાથોસાથ જ ડિપાર્ટમેન્‍ટલ ઓડિટ અને એસેસમેન્‍ટને પાત્ર કરદાતાઓને વધારાનો સમય આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

વેરાની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્‍યો હોય તો તેના પર વ્‍યાજની ગણતરી કઈ રીતે કરવી તે અંગેનો નિયમ પણ કરવામાં આવ્‍યો છે. તેને કારણે જીએસટી જમા કરાવનારાઓને તેમણે કેટલી રકમ જમા કરાવવાની તાય છે તેની પરફેક્‍ટ ગણતરી પમ કરી શકશે. નાના અને મધ્‍યમ ઉદ્યોગ દ્વારા ઇશ્‍યૂ કરવામાં આવેલા દરેક બિલ પર વેપારીઓએ ઈ-ઇન્‍વોઈસ ઇશ્‍યૂ કરવાની જરૃર ન હોવાની પ્રીન્‍ટ કરેલી નોંધ પણ મૂકવી પડશે. એક જ પાન કાર્ડ નંબરથી રજિસ્‍ટર થયેલી એક કંપનીમાંથી તે જ પાનકાર્ડ નંબરથી રજિસ્‍ટર થયેલી બીજી કંપનીમાં કેશ લેજરનું બેલેન્‍સ શિફટ કરવાની છૂટ આપવામાં આવી છે. આ તમામ ફેરફારોને જીએસટી કાઉન્‍સિલ તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે.

(10:59 am IST)