Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

૮ વર્ષમાં LPG સિલિન્‍ડરની કિંમતમાં અઢી ગણો વધારો

હવે સબસિડી પણ ગઈ... છેલ્લા એક વર્ષમાં જ દિલ્‍હીમાં ઘરેલું ગેસ સિલિન્‍ડર લગભગ ૨૧૯ રૂપિયા મોંઘું થઈ ગયું છે : માર્ચ ૨૦૧૪માં સબસિડીવાળા ન્‍ભ્‍ઞ્‍ સિલિન્‍ડરની કિંમત ૪૧૦ રૂપિયા હતીઃ હવે દિલ્‍હીમાં ઘરેલુ એલપીજી સિલિન્‍ડર ૧૦૫૩ રૂપિયામાં મળશે

નવી દિલ્‍હી, તા.૭: રેકોર્ડ મોંઘવારી વચ્‍ચે સામાન્‍ય લોકો એલપીજીના વધતા ભાવથી પરેશાન છે. એક દિવસ પહેલા ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં ફરી ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. પહેલાથી જ પરેશાન સામાન્‍ય લોકો માટે આ ખરાબ સમાચાર સાબિત થયા છે.છેલ્લા કેટલાક સમયથી એલપીજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા આઠ વર્ષમાં LPG સિલિન્‍ડરની કિંમતમાં લગભગ અઢી ગણો વધારો થયો છે.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના ડેટા અનુસાર, માર્ચ ૨૦૧૪માં સબસિડીવાળા LPG સિલિન્‍ડરની કિંમત ૪૧૦ રૂપિયા હતી. તાજેતરના વધારા બાદ ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. હવે દિલ્‍હીમાં ઘરેલુ એલપીજી સિલિન્‍ડર ૧૦૫૩ રૂપિયામાં મળશે. ૧૪.૨ કિલોના સિલિન્‍ડરની સાથે ૫ કિલોના નાના ઘરેલુ સિલિન્‍ડરની કિંમતમાં પણ વધારો થયો છે. તેની કિંમતમાં ૧૮ રૂપિયા પ્રતિ સિલિન્‍ડરનો વધારો કરવામાં આવ્‍યો છે. આ રીતે ઘરેલું વપરાશ માટેના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્‍ડરની કિંમતમાં છેલ્લા આઠ વર્ષમાં લગભગ ૧૫૭ ટકાનો વધારો થયો છે.

તમારા શહેરમાં હવે રેટ કરોઃ(બધી કિંમત રૂપિયામાં)

દિલ્‍હીઃ ૧૦૫૩

મુંબઈઃ ૧૦૫૩

કોલકાતાઃ ૧૦૭૯

ચેન્નાઈઃ ૧૦૬૯

લખનૌઃ ૧૦૯૧

જયપુરઃ ૧૦૫૭

પટનાઃ ૧૧૪૩

ઇન્‍દોરઃ ૧૦૮૧

અમદાવાદઃ ૧૦૬૦

પુણેઃ ૧૦૫૬

ગોરખપુરઃ ૧૦૬૨

ભોપાલઃ ૧૦૫૯

આગ્રાઃ ૧૦૬૬

છેલ્લા એક વર્ષમાં જ દિલ્‍હીમાં ઘરેલું ગેસ સિલિન્‍ડર લગભગ ૨૧૯ રૂપિયા મોંઘું થઈ ગયું છે. એક વર્ષ પહેલા તેની કિંમત ૮૩૪.૫૦ રૂપિયા હતી જે હવે વધીને ૧૦૫૩ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ૧૯ મેના રોજ ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્‍ડરના દરમાં વધારો કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ તેના ભાવમાં ચાર રૂપિયાનો વધારો થયો હતો. આ પહેલા ૨૨ માર્ચે પણ ઘરેલુ એલપીજી સિલિન્‍ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો થયો હતો.

દિલ્‍હીની વાત કરીએ તો ૦૧ માર્ચ ૨૦૧૪ના રોજ સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમત ૪૧૦.૫૦ રૂપિયા હતી. એક વર્ષ પછી એટલે કે માર્ચ ૨૦૧૫માં તેની કિંમત વધીને ૬૧૦ રૂપિયા થઈ ગઈ. ક્રૂડના ઘટતા ભાવથી આગામી એક વર્ષમાં ફાયદો થયો અને માર્ચ ૨૦૧૬માં ઘરેલુ સિલિન્‍ડરની કિંમત ઘટીને ૫૧૩.૫૦ રૂપિયા થઈ ગઈ. માર્ચ ૨૦૧૭માં તેમની કિંમત વધીને ૭૩૭.૫૦ રૂપિયા થઈ ગઈ. આ વર્ષે માર્ચમાં તેમની કિંમત ૮૯૯ રૂપિયા હતી. હવે એલપીજીના ઘરેલુ સિલિન્‍ડરની કિંમત ૧૦૫૩ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, મોદી સરકારે માર્ચ ૨૦૧૫થી ઘરેલુ રસોઈ ગેસ પર આપવામાં આવતી સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલવાની પહેલ શરૂ કરી હતી. ત્‍યારે લોકોને સબસિડી પર દર વર્ષે ૧૨ સિલિન્‍ડર મળતા હતા. કોરોના મહામારી પછી એલપીજી પર આપવામાં આવતી સબસિડી ઘટવા લાગી. અગાઉ, સરકારે લોકો પાસેથી સ્‍વેચ્‍છાએ સબસિડી છોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. જો કે, રોગચાળા દરમિયાન, સબસિડી દરેક માટે સમાપ્ત થઈ ગઈ. હવે ઉજ્જવલા યોજના હેઠળ કનેક્‍શન મેળવનારાઓને જ LPG સિલિન્‍ડર પર સબસિડી આપવામાં આવે છે.

(10:57 am IST)