Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ખાદ્યતેલ વધુ ૧૦ રૂપિયા સસ્‍તું થશેઃ દેશભરમાં એક જ ભાવ

ભારત તેની જરૂરિયાતના ૬૦ ટકા ખાદ્ય તેલની આયાત કરે છે

નવી દિલ્‍હી, તા.૭: સરકાર ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ગયા મહિને ભાવમાં ૧૦-૧૫ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યા બાદ હવે ફરી તેમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થશે. આ અંગે સરકારે ખાદ્યતેલ કંપનીઓને સ્‍પષ્ટ સૂચના આપી છે.

અગાઉ વૈશ્વિક બજારમાં કિંમતો વધારવાનું દબાણ હતું, જેના કારણે છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય તેલના ભાવ આસમાને હતા. હવે વૈશ્વિક બજારમાં પામ સહિત અન્‍ય ખાદ્યતેલોના ભાવમાં મોટો ઘટાડો થયો છે, જે બાદ સરકારે કંપનીઓને રિટેલ માર્કેટમાં પણ ભાવ ઘટાડવા કહ્યું છે. એવું માનવામાં આવે છે કે આગામી સપ્તાહ સુધીમાં રાંધણ તેલ ૧૦ રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્‍તું થઈ જશે.

ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ ખાદ્ય તેલ કંપનીઓ સાથેની બેઠકમાં જણાવ્‍યું હતું કે વૈશ્વિક બજારમાં પામ તેલ સહિત અન્‍ય ખાદ્યતેલોના ભાવમાં મોટો ઘટાડો થયો છે. તેનો લાભ ગ્રાહકોને પણ મળવો જોઈએ. તેથી, તમારે ખાદ્ય તેલના છૂટક ભાવમાં પણ ટૂંક સમયમાં ઘટાડો કરવો જોઈએ. પાંડેએ કંપનીઓને પણ સૂચના આપી હતી કે ખાદ્યતેલની કિંમત સમગ્ર દેશમાં એકસમાન હોવી જોઈએ. તેમણે કહ્યું કે જ્‍યારે GSTના દર સમાન હોય છે, તો ઉત્‍પાદનોની MRP પણ સમાન હોવી જોઈએ. ભારત તેના ૬૦ ટકા ખાદ્ય તેલની આયાત કરે છે, તેથી વૈશ્વિક બજારમાં કિંમતોમાં વધારાને કારણે સ્‍થાનિક બજાર પર પણ દબાણ હતું.

ખાદ્ય સચિવે કહ્યું કે અમે કંપનીઓને સ્‍પષ્ટપણે કહી દીધું છે કે માત્ર એક સપ્તાહની અંદર જ વૈશ્વિક બજારમાં તેલની કિંમતમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જોઈએ. આ પછી તમામ મોટી ઓઈલ કંપનીઓએ આવતા સપ્તાહ સુધીમાં ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરવાનું આશ્વાસન આપ્‍યું છે. આ પછી પામ ઓઈલ, સોયાબીન અને સનફ્‌લાવર ઓઈલ જેવા તમામ આયાતી ખાદ્યતેલોના ભાવ ઘટશે. તેમણે કહ્યું કે એકવાર આ ખાદ્યતેલોના ભાવ ઘટશે તો અન્‍ય તેલ પણ સસ્‍તા થશે.

(10:56 am IST)