Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રવિવારે દેવપોઢી એકાદશી સાથે ચાતુર્માસ શરૂ : લગ્નસરાના ગાળાને ચાર માસનો વિરામ

ભગવાન વિષ્‍ણુ દેવઉઠી એકાદશી સુધી શયનમાં : ૪ માસ લગ્ન મુહૂર્ત નહીં : ૪ નવેમ્‍બરે દેવઉઠી એકાદશીએ ચાતુર્માસ પુરા થશે પણ પહેલુ લગ્નમુહૂર્ત ૨૫ નવેમ્‍બરે

નવી દિલ્‍હી,તા. ૭ : હિન્‍દુ સમુદાયમાં ભારે મહાત્‍મય ધરાવતી દેવપોઢી એકાદશીની રવિવારે અષાઢ સુદ એકાદશીએ ઉજવણી થશે. મંદિરોમાં પૂજા-અર્ચના અને મહાઆરતી સહિતના આયોજનો કરાયા છે. બીજીબાજુએ દેવપોઢી એકાદશી સાથે જ હિન્‍દુ ચાતુર્માસનો પ્રારંભ થશે. મંદિરમાં માન્‍યતા અને પરંપરાને આધીન ભગવાન વિષ્‍ણુ દેવઉઠી એકાદશી સુધી શયન મુદ્રામાં રહેતા હોય ૪ માસ લગ્નસરાને વિરામ રહેશે. ૪ નવેમ્‍બરે દેવઉઠી એકાદશીએ ચાતુર્માસ પૂરા થશે, પરંતુ લગ્નમુહૂર્ત માટે ૨૫ નવેમ્‍બર સુધી રાહ જોવી પડશે.

જયોતિષીના જણાવ્‍યા મુજબ, ૧૦ જુલાઇના રોજ દેવશયની એકાદશીથી હિન્‍દુ ચાતુર્માસ શરૂ થશે. ૪ નવેમ્‍બરના રોજ કારતક સુદ એકાદશી સુધી ચાતુર્માસ રહેશે. તે દિવસે તુલસી વિવાહના આરંભ સાથે જ લગ્ન સહિતના શુભકાર્યોનો આરંભ થશે. વિવિધ કથાને આધીન અષાઢ સુદ અગિયારસને દેવશયની એટલે કે હરશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને નીચી એકાદશી પર કહે છે. કારણ કે, આ દિવસથી ચાતુર્માસમાં શું ખાવાનું અને શું નહીં ખાવાનું તેના નિયમો લેવાઇ છે. આ ચાર માસ ભગવાન વિષ્‍ણુ યોગનિદ્રામાં ચાલ્‍યા જાય છે. આ ચાર માસનું વિશ્વનું નિયંત્રણ શિવજીને સોંપી દેતા હોવાની પણ માનતા છે. તેને કારણે જ શ્રાવણમાં શિવજી, ભાદરવામાં ગણેશજી, આસોમાં માતાજીની આરાધના-પૂજાનું મહાત્‍મય છે. આ સમયમાં લગ્ન, જનોઇ, વાસ્‍તુ જેવા માંગલિક કાર્યો થતા નથી. (૨૨.૯)

ચાતુર્માસમાં ખોરાકને લઇને પણ અનેક માન્‍યતા

હિન્‍દુ ચાતુર્માસમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિનાનો સમાવેશ થાય છે. ચાતુર્માસ દરમિયાન શ્રાવણમાં શાક અને લીલી ભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળ આરોગવી વર્જિત માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન દેવભક્‍તિનું પણ અનેરું મહત્‍વ છે. હિન્‍દુઓમાં લગ્ન જેવા કાર્યો કરાતા નથી. આ સમયમાં દેવપ્રતિષ્ઠા દિવસ ઉજવાય છે.

ચાતુર્માસના આરંભ સાથે જ પર્વોની વણઝાર જોવા મળશે

૧૦ જુલાઇએ દેવપોઢી એકાદશી બાદ જુલાઇ માસમાં જયાપાર્વતી વ્રતારંભ, ગુરુપૂર્ણિમા, જયાપાર્વતી વ્રતનું જાગરણ, દિવાસો જાગરણ, શિવપૂજાનો આરંભ, ફૂલડા ત્રીજ, ઓગસ્‍ટ માસમાં રક્ષાબંધન, સંકષ્ટ ચતુર્થી, શીતળા સાતમ, જન્‍માષ્ટમી, કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી, સપ્‍ટેમ્‍બરમાં ઋષિ પાંચમ, આનંદ ચતુર્દશી, શ્રાદ્ધ પક્ષ શરૂ, સર્વપિતૃ અમાસ, ઓક્‍ટોબરમાં વિજયા દશમી, શરદ પૂર્ણિમા, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, દર્શ અમાસ, નૂતન વર્ષ, ભાઇ બીજ જેવા પર્વો આવશે.

(10:56 am IST)