Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

બેરોજગારીનું વરવું દ્રશ્ય : ગ્રેજ્યુએટ બે ભાઈઓએ હળ સાથે બળદની જગ્યાએ પોતાને જોડીને ખેતી શરુ કરી

પરિવાર પાસે નવુ ટ્રેક્ટર કે નવા બળદ ખરીદવા માટે પૈસા નહોતા : કોરોના કાળમાં નોકરી ગુમાવતા ખેતી શરૂ કરવા નિર્ણય

નવી દિલ્હી :કોરોનાકાળમાં સખ્ત લોકડાઉન અને સરકારની અન્ય બીજી નીતિઓ અને નિયમોના કારણે લાખો લોકો બેરોજગાર બની ગયા છે. દેશના લખો પરિવારોની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ચુકી છે. તેલંગાણાના એક પરિવાર પાસે કમાણીનુ કોઈ સાધન ના હોવાના કારણે પરિવારના બે ભાઈઓએ ખેતી કરવા માટે હળ સાથે બળદની જગ્યાએ પોતાની જાતને જોડીને ખેતી શરુ કરી છે.

આ બંને ભાઈઓની નોકરી લોકડાઉન દરમિયાન છીનવાઈ ગઈ હતી. એ પછી એક દુર્ઘટનામાં બે બળદો પણ મોતને ભેટયા હતા. કમાણી કરવા માટે માત્ર તેમની પાસે ખેતર હતુ પરંતુ ખેતી કરવા માટે નવા બળદ ખરીદવાના પૈસા નહતા અને ના ટ્રેક્ટર થકી ખેતી કરાવવાના પૈસા હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે એક કલાક ખેડાઇના એક હજાર રૂપિયા સુધી ચૂકવવા પડી રહ્યાં છે. તેવામાં ખેડૂતોની સ્થિતિ વધારે વણસી ગઈ છે. ખેડૂતોનું જીવન ધોરણ પ્રતિદિવસ નીચે જઈ રહ્યું છે પરંતુ સરકારને માત્ર દેશમાં થતી ચૂંટણીઓમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.

કોઈપણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય તો તે જીતવા માટેની તૈયારી બે વર્ષ પહેલાથી શરૂ કરી દેવામાં આવે છે પરંતુ વર્ષોથી આત્મહત્યા કરતાં ખેડૂત માટે વિચારવા જેટલો પણ સરકાર પૈસા સમય નથી. તેવામાં નરેન્દ્ર બાબૂ અને શ્રીનિવાસ ભણેલા-ગણેલા હોવા છતાં બળદનું કામ કરવા માટે મજબૂર બન્યા છે. તે માટે સરકારની નીતિને જવાબદાર ઠેરવીએ તો ખોટું ગણાશે નહીં કારણ કે, આવા લાખો એજ્યુકેટ વિદ્યાર્થીઓ બેરોજગારીના ચક્રમાં ફસાઈને પોતાનો કિંમતી સમય અને જીવન બર્બાદ કરી રહ્યાં છે.

નરેન્દ્ર બાબૂ પાસે બીએસસી અને બીએડની ડિગ્રી છે. તેઓ શિક્ષક રહી ચુકયા છે જ્યારે શ્રીનિવાસ પાસે એમએસડબલ્યુની ડિગ્રી છે. તેઓ હૈદ્રાબાદમાં એક સંસ્થામાં કામ કરી ચુકયા છે. નરેન્દ્ર બાબૂના લગ્ન થઈ ગયા છે અને તેમના બે બાળકો પણ છે. તેમણે કહ્યુ હતુ કે, ચાર વર્ષ પહેલા મેં ઓછી આવકના કારણે નોકરી છોડીને ગામમાં જ વસવાનો નિર્ણય લીધો હતો.બીજી તરફ નાના ભાઈ શ્રીનિવાસ પણ શહેર છોડીને ગામમાં પાછા ફરી ગયા હતા.કારણકે કોરોનાના કારણે તેઓ જ્યાં નોકરી કરતા હતા તે સંસ્થા લોકડાઉનમાં બંધ થઈ ગઈ હતી.

પરિવાર પાસે નવુ ટ્રેક્ટર કે નવા બળદ ખરીદવા માટે પૈસા નહોતા. એ પછી બંને ભાઈઓએ બળદની જગ્યાએ પોતાની જાતને હળ સાથે જોડીને ખેતી કરવાનુ નક્કી કર્યુ હતુ. તેઓ આ રીતે ખેતી કરી રહ્યા છે અને તેમનો કિસ્સો આખા દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

(12:02 am IST)