Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

બાબા રામદેવે ફરી વિવાદ છેડ્યો :કહ્યું -ડોક્ટરોને ભણાવાતો અભ્યાસક્રમ ડ્રગ માફિયા તૈયાર કરે છે

એલોપેથીના સિલેબસને ડ્રગ ઈન્ડસ્ટ્રીનો સિલેબસ ગણાવીને નવો વિવાદ ઉભો કર્યો

નવી દિલ્હી : ગાઝીયાબાદમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સેન્ટરના ઉદઘાટન દરમિયાન બાબા રામદેવે કહ્યુ હતુ કે, ડોકટરોને જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે તે દેશના ડ્રગ માફિયા તૈયાર કરે છે અને તેને એલોપેથીમાં એવિડન્સ બેઝડ રિસર્ચ કહેવામાં આવે છે.

બાબા રામદેવે એલોપેથીના સિલેબસને ડ્રગ ઈન્ડસ્ટ્રીનો સિલેબસ ગણાવીને નવો વિવાદ ઉભો કર્યો છે.રામદેવે કહ્યુ હતુ કે, આગામી 6 મહિના માટે હરદ્વારના પતંજલિ યોગપીઠમાં ભણવા માટે જગ્યા નથી. કારણકે આર્યુવેદિક અભ્યાસની ડીમાન્ડ વધી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બાબા રામદેવે ડોકટરો સામે નિવેદન આપીને વિવાદ સર્જયો હતો. આ સંદર્ભમાં તેમની સામે અલગ અલગ રાજ્યોમાં પોલીસ ફરિયાદો પણ થઈ ચુકી છે. સુપ્રીમ કોર્ટમાં પણ બાબા રામદેવ સામે પિટિશન થઈ છે.

દરમિયાન બાબા રામદેવે અલગ અલગ રાજ્યોમાં થયેલી પોલીસ ફરિયાદોને દિલ્હી ટ્રાન્સફર કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. દરમિયાન દિલ્હી મેડિકલ એસોસિએશને તેનો વિરોધ કર્યો છે. એસોસિએશને માંગણી કરી છે કે, તેમને કોઈ રાહત આપવામાં ના આવે. અરજીમાં કહેવાયુ છે કે, રામદેવે એલોપેથીની ઈમેજ એટલે ખરાબ કરી છે કે તેમની કોરોનિલ દવાનુ વેચાણ વધારી શકાય.

(11:21 pm IST)