Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

બોગસ સીબીઆઈ ઓફિસર બ્રિક્સ સંમેલનમાં ગયો હતો

સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઊડી ગઈ : પોલીસે કેન્દ્ર પાસે બોગસ અધિકારી સનાતન રોય ખરેખર સંમેલનમાં ગયો હતો કે કેમ તે અંગેની જાણકારી માગી

કોલકાતા, તા. ૭ : કોલકાતામાં પકડાયેલા એક બોગસ સીબીઆઈ અધિકારીએ એવો ખુલાસો કર્યો છે જેનાથી દેશની સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઈ છે.

મળતી વિગતો પ્રમાણે બોગસ સીબીઆઈ ઓફિસર સનાતન રોય પોતાને ચીફ મિનિસ્ટરનો સલાહકાર ગણાવતો હતો.પોલીસને આપેલી જાણકારી પ્રમાણે તે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રતિનિધિ તરીકે દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં પણ પહોંચી ગયો હતો.જેમાં ખુદ પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. કોલકાતા પોલીસ પણ આ ખુલાસા બાદ ચોંકી ઉઠી હતી.કોલકાતા પોલીસે કેન્દ્રના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય પાસે બોગસ અધિકારી સનાતન રોય ખરેખર આ સંમેલનમાં ભાગ લેવા ગયો હતો કે કેમ તેની જાણકારી માંગી છે.

સનાતન રોયે પોલીસને જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે મેં વિદેશ યાત્રાઓ પણ કરી છે.જો સનાતનનો દાવો સાચો નિકળે તો આ વાત ભારે ખતનાક સાબિત થઈ શકે છે.

આ બોગસ સીબીઆઈ અધિકારી મૂળે કોલકાતા હાઈકોર્ટમાં વકીલ છે પણ કેટલાક મહિનાઓથી તે ચીફ મિનિસ્ટર ઓફિસના એડવાઈઝર હોવાનો અને સીબીઆઈનો અધિકારી હોવાનો દાવો કરી રહ્યો હતો.સનાતને ૨૫ જૂને એક પોલીસ સ્ટેશનમાં પોતાને મુખ્યમંત્રીના એડવાઈઝર ગણાવીને ફોન કર્યો હતો.તે વખતે પોલીસ અધિકારીને શંકા ગઈ હતી અને આ મહાશયનો ભાંડો ફૂટયો હતો.

૩૦ જુલાઈએ સનાતન રોયે ૧૦ કરોડની એક પ્રોપર્ટી પર કબ્જો જમાવવાની કોશિશ કરી હતી.આ માટે તેણે હાઈકોર્ટના જજની બોગસ સહીનો ઉપયોગ કરીને બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા.એ પછી પ્રોપર્ટીના માલિકે પોલીસને ફરિયાદ કરી હતી.સનાતન રોય એ પછી હવે પોલીસ લોકઅપમાં છે અને એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહ્યો છે.

(8:07 pm IST)