Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સાયરાનું બાળક ન બચતાં દંપતીએ બીજું સંતાન ન કર્યું

દિલીપ કુમારના નિધનથી સાયરાબાનુ આઘાતમાં : સાયરા બાનુને બીપી હાઈ થતાં બાળક ગુમાવતાં દિલિપ કુમારે ઈશ્વરની ઈચ્છા માનીને બીજું બાળક ન કર્યું

મુંબઈ, તા. ૭ : બોલિવુડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે ૭ જુલાઈના રોજ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. એક્ટરના નજીકના મિત્ર ફૈઝલ ફારુખીએ આ વિશે ટ્વિટર પર જાણકારી આપી હતી. જ્યાં એક તરફ દુનિયાભરના ફેન્સ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો બીજી તરફ હંમેશા પડછાયાની જેમ તેમની સાથે ઉભા રહેલા તેમના પત્ની સાયરા બાનુ આઘાતમાં છે. એક ઈન્ટવ્યૂમાં લતા મંગેશકરે કહ્યું હતું 'સાયરાજીનો દરેક શ્વાસ યુસૂફ સાહેબ માટે હોય છે. મેં મારા સમગ્ર જીવનમાં ક્યારેય તેમના જેવા સમર્પિત પત્ની નથી જોયા'. સાયરા બાનુ અને દિલીપ કુમાર વચ્ચે એવા સંબંધો હતો, જે હંમેશા અન્ય માટે પ્રેરણા બનતા રહ્યા. જીવનમાં દંપતીએ ઘણા ઉતાર-ચડાવ જોયા, પરંતુ કોઈ બાબત તેમને અલગ કરી શકી નહીં.

કરિયરમાં ટોપ પર હોવા છતાં પોતાનાથી ૨૨ વર્ષ મોટા એક્ટરની સાથે લગ્નના બંધનમાં બંધાયેલા સાયરા બાનુને ફિલ્મી દુનિયા છોડવાનો કોઈ અફસોસ નહોતો. એક્ટ્રેસે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમણે કોઈના દબાણ હેઠળ નહીં પરંતુ ઈચ્છાથી આ નિર્ણય લીધો હતો. કારણ કે તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન દિલીપ કુમાર પર લગાવવામાં માગતા હતા.

દિલીપ કુમાર અને સાયરા બાનુ જીવનભર નિઃસંતાન રહ્યા. તેને લઈને ઘણા પ્રકારની વાતો થઈ. જો કે, ઓટોબાયોગ્રાફી દિલીપ કુમારઃ ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો આ પાછળના કારણનો ખુલાસો થયો. એક્ટરે પોતે તેમાં લખ્યું હતું કે, વર્ષ ૧૯૭૨માં સાયરા બાનુ ગર્ભવતી હતા પરંતુ ૮મો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે બીપી હાઈ થઈ ગયું અને ડોક્ટરો બાળકને ન બચાવી શક્યા. આ ઘટનાને કપલે ભગવાનની ઈચ્છા માની અને સંતાન વિશે બીજીવાર વિચાર્યું નહીં. બાળક ગુમાવ્યા બાદ સાયરા બાનુ અને દિલીપ કુમારનું દિલ તૂટી ગયું હતું, પરંતુ તેમનો પ્રેમ અતૂટ રહ્યો. ઉપરથી એકબીજા પ્રત્યેનું સમર્પણ વધી ગયું. એક ઈન્ટરવ્યૂમાં સાયરા બાનુએ જણાવ્યું હતું કે, 'અમારા લગ્ન મારા જીવનમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. મને બાળકની ખોટ ક્યારેય વર્તાતી નથી. કારણ કે, દિલીપ સાહેબ પોતે બાળક જેવા છે.

દંપતીના ઘરમાં ભલે બાળકો નહોતા, પરંતુ પરિવારના સભ્યોના બાળકો પર જબરદસ્ત પ્રેમ વરસાવ્યો. એક ઈન્ટરવ્યૂમાં દિલીપ કુમારે કહ્યું હતું કે, 'મને બાળકો ખૂબ પસંદ છે. પરંતુ તેના વિશે વિચારવાનો સમય ક્યાં છે? મારા અને સાયરાના પરિવારમાં આશરે ૩૦ બાળકો છે અને તેઓ તેમની મસ્તીથી મને આખો સમય વ્યસ્ત રાખે છે. તેઓ એટલી ઉર્જાથી ભરેલા છે કે તેમને સંભાળીને હું થાકી જાઉ છું.

જ અભિનેતાઓમાં જેમની ગણતરી થાય છે તે દિલીપ કુમારનું બુધવારની વહેલી સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારનું આખું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. તેમણે વર્ષ ૧૯૪૪માં ફિલ્મ જ્વાર ભાટાથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. પરંતુ ૧૯૪૭માં આવેલી ફિલ્મ જુગનૂ પછી તેમને ખાસ ઓળખ મળી. દિલીપ કુમાર બોલિવૂડના એકમાત્ર એવા સ્ટાર છે, જેમણે સૌથી વધારે બેસ્ટ એક્ટરના ફિલ્મફેર અવોર્ડ પોતાના નામે કર્યા છે. દિલીપ કુમારે ૬૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. દિલીપ કુમાર બોલિવૂડ એક્ટ્રેસ મધુબાલા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહેતા હતા. પરંતુ તેમની જોડી લગ્ન સુધી ના પહોંચી શકી. દિલીપ કુમારે ૧૯૬૬માં એક્ટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. દિલીપ કુમારને હિન્દી સિનેમાના સુવર્ણકાળના અંતિમ અભિનેતા તરીકે યાદ કરવામાં આવે છે.

દિલીપ કુમારે શાળાકીય અભ્યાસ નાસિકના દેવલાલીમાં બાર્ન્સ સ્કૂલથી કર્યો હતો. આ જ શાળામાં રાજ કપૂર પણ અભ્યાસ કરતા હતા. રાજ કપૂર અને દિલીપ કુમાર બાળપણના મિત્રો હતા. બન્ને એકસાથે જ મોટા પણ થયા. દિલીપ કુમાર વિષે કહેવામાં આવે છે કે કોઈ કારણસોર તેમની પિતા સાથે બોલાચાલી થઈ ગઈ અને તેઓ ઘરેથી ભાગી ગયા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી. પુનામાં જઈને તેમણે એક પારસી કેફેના માલિકની મદદ લીધી અને એક સેન્ડવિચ સ્ટોલ શરુ કર્યો. સેન્ડવિચ વેચીને તે સમયે દિલીપ કુમાર ૫૦૦૦થી વધારે કમાઈ લેતા હતા. તે સમયે ૫૦૦૦ને ઘણી મોટી રકમ માનવામાં આવતી હતી.

(8:05 pm IST)