Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દિલીપ કુમાર ઉપર પાક.ના જાસૂસ હોવાનો આરોપ હતો

પાક. જાસૂસની ડાયરીમાં દિલીપ કુમારનું નામ હતું : જાસૂસ સાથે દિલીપ કુમારનો સંબંધની શંકાએ ઘરે દરોડા પડાયા, જો કે તેમના ઘરેથી શંકાસ્પદ વસ્તુ નહોતી મળી

મુંબઈ, તા. ૭ : દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર ફિલ્મોમાં તો સક્રિય હતા જ, પરંતુ આઝાદીના સમયથી જ કોંગ્રેસ અને જવાહરલાલ નહેરુની વિચારધારાના સમર્થક હતા. જો કે એક સમય એવો પણ આવ્યો જ્યારે દિલીપ કુમાર પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

દિલીપ કુમાર જન્મથી મુસલમાન હતા અને તેમનું નામ મુહમ્મદ યુસુફ ખાન હતું. ૬૦ના દશકામાં એકવાર તેમના પર પાકિસ્તાની જાસૂસ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કલકત્તા પોલીસે તે સમયે એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી હતી. તેની ડાયરીમાં દિલીપ કુમાર સહિત મોટા લોકોનાં નામ હતા. કેસની તપાસમાં કલકત્તા પોલીસે વિચાર્યું કે દિલીપ કુમારનો સંબંધ તે જાસૂસ સાથે હોઈ શકે છે અને તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા. જો કે તેમના નિવાસસ્થાનેથી કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી. દરોડા પડ્યા પછી દિલીપ કુમાર વિષે ઘણી અટકળો ચાલવા લાગી. અટકળોમાં કહેવામાં આવતુ હતું કે દિલીપ કુમારના ઘરમાં જમીન પર રેડિયો ટ્રાન્સમીટર મળી આવ્યા છે અને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાનના મુસલમાન જાસૂસોના અગ્રણી છે. પરંતુ આ તમામ અટકળો સદંતર જૂઠી હતી. દિલીપ કુમારનો જન્મ ભલે પાકિસ્તાનમાં થયો હતો પરંતુ તે દિલથી હંમેશા ભારતીય હતા. જ્યારે પાકિસ્તાને તેમને નિશાન-એ-ઈમ્તિયાઝની પદવી આપી તો તેમણે સન્માન સ્વીકારતા પહેલા તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સલાહ લીધી હતી.

(8:03 pm IST)