Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કેન્સર હોસ્પિ. માટે દિલીપ કુમારે મદદ કરી : પાકિસ્તાની પીએમ ઈમરાનખા

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને અંજલિ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમારાને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતા તેમની સાથેની યાદો તાજી કરી

મુંબઈ, તા. ૭ : પાકિસ્તાની પીએમ ઈમરાનખાને પણ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારના નિધન પર શોક વ્યક્ત કરીને તેમની સાથે જોડાયેલી યાદો તાજા કરી છે.

ઈમરાનખાને કહ્યુ છે કે, હું દિલિપકુમારની દરિયાદિલી ક્યારેય નહીં ભુલી શકુ.મારી માતાના નામ પર બનાવાયેલી કેન્સર હોસ્પિટલને ઉભી કરવામાં દિલિપ કુમારે મને બહુ મદદ કરી હતી.

તેમણે કહ્યુ છે કે, કેન્સર હોસ્પિટલ શરુ કરવા માટે શરુઆતમાં ભંડોળ એકઠુ કરવાનુ કામ ભારે મુશ્કેલ હતુ.કુલ ખર્ચની ૧૦ ટકા રકમ મારે ભેગી કરવાની હતી.તે સમયે દિલિપ કુમાર મારી મદદે આવ્યા હતા.તેમણે પાકિસ્તાન અને લંડનમાં હોસ્પિટલ માટે ફંડ એકઠુ કરવામાં મારી મદદ કરી હતી.આ સિવાય મારી પેઢી માટે દિલિપ કુમાર સૌથી મહાન અને પ્રતિભાશાળી અભિનેતા હતા. ઈમરાનખાને પોતાની માતાની યાદમાં પાકિસ્તાનમાં વિશાળ કેન્સર હોસ્પિટલ બનાવ્યુ છે.

દરમિયાન પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ પણ દિલિપ કુમાર માટે કહ્યુ હતુ કે, તે પ્રતિષ્ઠિત કલાકાર હતા અને તેઓ હવે આપણી વચ્ચે નથી.તેમને ભારતીય ઉપખંડમાં કરોડો લોકો પ્રેમ કરતા હતા.દુનિયાના ટ્રેજેડી કિંગ તરીકે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

(8:03 pm IST)