Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા બાદ ભારતીય મૂળની સિરિષા બંદલા પણ જશે અંતરિક્ષની યાત્રાએ

રિચાર્ડ બ્રાન્સનની સ્પેસ કંપની વર્જિન ગેલેક્ટીકનું સ્પેસક્રાફ્ટ વર્જિન ઓર્બિટમાં 11મીએ સ્પેસ વોક પર જશે

નવી દિલ્હી :કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પછી હવે ભારતીય મૂળની વધુ એક પુત્રી અંતરિક્ષની મુસાફરી કરવા જઇ રહી છે. તેનું નામ સિરીષા બંદલા છે. તે રિચાર્ડ બ્રાન્સનની સ્પેસ કંપની વર્જિન ગેલેક્ટીકનું સ્પેસક્રાફ્ટ વર્જિન ઓર્બિટમાં 11 જુલાઈના રોજ સ્પેસ વોક પર જશે. રિચાર્ડ બ્રાન્સને તેમના સહિત છ લોકોની અંતરિક્ષ યાત્રાની જાહેરાત કરી હતી. આ ટીમમાં સિરિષા શામેલ છે.

બ્રાન્સનની સ્પેસ ટ્રાવેલ ટીમમાં બે મહિલાઓ શામેલ છે. બીજી મહિલાનું નામ બેશ મોસીસ છે. સિરિષા વર્જિન ગેલેક્ટીક કંપની માટે સરકારી બાબતો અને સંશોધન ઓપરેશનના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. તેણે ફક્ત છ વર્ષમાં પોતાની મહેનતથી આ પદ પ્રાપ્ત કર્યું છે. તેના અંતરિક્ષમાં જવાની વાત સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપતા લોકોની ભીડ ભેગી થઇ ગઈ છે.

સિરિષા, જે મૂળ આંધ્રપ્રદેશના ગુંટુરની છે, તેણે પરડ્યુ યુનિવર્સિટીમાંથી એરોનોટીકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા, ત્યારબાદ જોર્જટાઉન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. હાલમાં તે વર્જિન ઓર્બિટના વોશિંગ્ટનમાં કામગીરી સંભાળી રહી છે. તેના સ્પેસ વોક માટે સિરિષા બંદલા મેક્સિકોથી વિંગ્ડ રોકેટ શિપ ફ્લાઇટનો એક ભાગ બનશે. આ સમયે તે હ્યુમન ટેન્ડડ રિસર્ચ એક્સપિરિયન્સનો હવાલો પણ સંભાળશે.

સિરિષા બંદલા તેમની અંતરિક્ષ યાત્રા દરમિયાન અવકાશયાત્રીઓ પરના પ્રભાવનો પણ અભ્યાસ કરશે. તેણીનો ઉછેર ટેક્સાસના હ્યુસ્ટનમાં થયો હતો. જ્યાં તેણીએ રોકેટ અને અવકાશયાનને આવતા-જતા જોયા અને મનમાં અવકાશ યાત્રી બનવાનું સ્વપ્ન પાળ્યું હતું. જે અહાવે પૂરું થવા જઈ રહ્યું છે. જો કે, નબળી દૃષ્ટિને કારણે, તે એરફોર્સમાં પાઇલટ બની શકી ન હતી.

કલ્પના ચાવલા પછી, 34 વર્ષીય સિરિષા અંતરિક્ષની યાત્રા કરનારી બીજી ભારતીય મૂળની મહિલા હશે. તે વિશ્વમાં અવકાશમાં મુસાફરી કરનારી ચોથી ભારતીય હશે. તેમણે એક વીડિયોમાં ટિ્‌વટ કરીને કહ્યું કે, યુનિટી -22 ના ક્રૂ અને એક કંપનીનું ભાગ બનવા બદલ મને ગર્વ છે.

સિરિષા બંદલાનો જન્મ ભારતના આંધ્રપ્રદેશમાં ગુંટુર જિલ્લામાં થયો હતો. તેમના દાદા બંદલા રાઠીયા એગ્રોનોમિસ્ટ છે. તેણે પોતાની પૌત્રીની આ સિધ્ધિ અંગે કહ્યું કે, ‘મેં હંમેશાં કંઈક મોટું કરવા માટેનો ઉત્સાહ જોયો છે અને આખરે તે પોતાનું સપનું પૂરું કરવા જઇ રહી છે. મને ખાતરી છે કે તેણી આ મિશનમાં સફળતા હાંસલ કરશે અને આખા રાષ્ટ્રને ગૌરવ અપાવશે. સિરિષાના પિતા ડો. મુરલીધર વૈજ્ઞાનિક છે. અને યુએસ સરકારમાં સિનિયર એક્ઝિક્યુટિવ સર્વિસના સભ્ય છે.

(7:00 pm IST)