Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ફિનલેન્‍ડમાં આશ્ચર્યજનક ઘટનાઃ 33.6 ડિગ્રી જેટલુ સદીનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયુઃ પ્રવર્તતા ઉંચા દબાણના કારણે કડકડતી ઠંડીના બદલે અસહ્ય ગરમી

જ્યા શૂન્યથી ઉપર તાપમાન જતું ના હોય ત્યાં 30 ઉપર પારો જતો રહે તે ઘટના આશ્ચર્યજનક છે. જોકે, કંઈક એવી જ ઘટના ફિનલેન્ડમાં જોવા મળી છે. જે વિસ્તાર બરફથી છવાયેલું રહે છે તે વિસ્તારમાં પણ હિટવેવના કારણે તાપમાન 30 પાર જતો રહ્યો છે. ફિનલેન્ડનો ઉત્તરીય વિસ્તાર આર્કટિક લેપલેન્ડ પ્રાંતે હીટવેવ દરમિયાન 33.6 ડિગ્રી જેટલું સદીમાં સૌથી ઊંચુ કહી શકાય તેટલું તાપમાન નોંધાવ્યું છે. આ હીટવેવ સમગ્ર નોર્ડિક કન્ટ્રીમાં આગામી કેટલાક સમય સુધી રહેશે.

આ તાપમાન ફિનલેન્ડના ઉત્તરીય ઉત્યોકી-કેવો વેધર સ્ટેશને માપ્યુ હતુ, તે નોર્વેની સરહદ નજીક આવેલા ફિનિશ હવામાન ઇન્સ્ટિટયુટ દ્વારા માપવામાં આવ્યું હતું. ઇન્સ્ટિટયુટે જણાવ્યું હતું કે આ પહેલા લેપલેન્ડમાં જુલાઈ 1914ના રોજ ઇનારી થુલે વિસ્તારમાં 34.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું.

લેપલેન્ડ માટે જુલાઈનો પ્રારંભ અપવાદરૂપ રીતે ઉષ્માસભર રહ્યો છે. આ સ્થળ યુરોપના સૌથી ઠંડા સ્થળ તરીકે જાણીતું છે. તેના લીધે અહીં શિયાળા અને ઉનાળા બંને દરમિયાન પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં આવે છે. 55 લાખની વસ્તીવાળા ફિનલેન્ડનો આ વિસ્તાર સૌથી ઠંડો વિસ્તાર માનવામાં આવે છે.

ફિનિશ હવામાન ઇન્સ્ટિટયુટના હવામાન વિદ જારી તુઓવિનેને જણાવ્યું હતું કે લેપલેન્ડમા 32 ડિગ્રી સેલ્સિયસથી ઊંચુ તાપમાન નોંધાયુ તે અપવાદરૂપ ઘટના છે. તેમણે જણાવ્યું હતું કે હાલનું હીટવેવ તે આ વિસ્તારમાં પ્રવર્તતા ઊંચા દબાણનું કારણ છે. આ ઉપરાંત મધ્ય યુરોપથી ઉત્તર યુરોપ તરફ નોર્વેજિયન સમુદ્રના માર્ગે ગરમ હવા આવી રહી છે.

નોર્ડિક પડોશી નોર્વે અને સ્વીડને પણ તાજેતરમાં ઉત્તરમાં ઊંચુ તાપમાન નોંધાવ્યુ હતુ, નોર્વેની સોલ્ટડેલ મ્યુનિસિપાલિટીએ 34 ડિગ્રી જેટલુ ઊંચુ તાપમાન નોંધાવ્યુ હતુ. ફિનલેડન્ડનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન 37.2 સેલ્સિયસ છે, જે 2010માં પૂર્વી શહેર જોએન્સુમાં માપવામાં આવ્યું હતું.

(5:18 pm IST)