Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પંજાબના મુખ્‍યમંત્રી કેપ્‍ટન અમરિંદરસિંહ કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીને રાજીનામા પત્ર સાથે મળવા ગયા હતાઃ જો કે બેઠક બાદ સંતુષ્‍ટ જોવા મળ્‍યા

નવી દિલ્હી: મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા ગયા તો આક્રમક મૂડમાં હતા. તે પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદના સમાધાનના ઇરાદે સોનિયા ગાંધીને મળવા પહોચ્યા હતા. દોઢ કલાક સુધી ચાલેલી બેઠક બાદ કેપ્ટને જે રીતે બહાર આવીને મીડિયા સાથે વાત ના કરી તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે તે મુલાકાત દરમિયાન થયેલી ચર્ચા બાદ ઘણી હદ સુધી સંતૃષ્ટ છે. બીજી તરફ વિશ્વસનીય સુત્રોનું કહેવુ છે કે કેપ્ટન આર-પારની લડાઇના મૂડમાં સોનિયા ગાંધીને મળવા પહોચ્યા હતા અને પોતાનું રાજીનામું પણ લઇને ગયા હતા.

બેઠક બાદ સંતુષ્ટ જોવા મળ્યા પંજાબના મુખ્યમંત્રી

સોનિયા ગાંધી સાથે થયેલી લાંબી વાતચીતમાં કેપ્ટન અમરિંદર સિંહને સંકેત આપવામાં આવ્યા કે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી સુધી પાર્ટી તેમની સાથે ઉભેલી જોવા મળશે. સુત્રોએ એમ પણ જણાવ્યુ કે મુખ્યમંત્રી કેબિનેટમાં બદલાવ કરવા ઇચ્છુક છે. તે મંત્રી મંડળમાં બદલાવને લઇને એક યાદી સાથે લઇને ગયા હતા.

કહેવામાં આવી રહ્યુ છે કે આ યાદીમાં માઝા ક્ષેત્રના કેટલાક મંત્રીઓ પર કાતર ચલાવવાની તૈયારી હતી. માઝાથી કોંગ્રેસ સરકારમાં સૌથી વધુ મંત્રી છે જેમાં સુખવિંદર સિંહ સરકારિયા, ઓપી સોની, સુખજિંદર સિંહ રંધાવા, તૃપ્ત રાજિંદર સિંહ બાજવા અને અરૂણા ચૌધરીનું નામ સામેલ છે.

આ પાંચ મંત્રી માત્ર બે જિલ્લા અમૃતસર અને ગુરદાસપુર સાથે સબંધ ધરાવે છે અને કોઇ સમયે કેપ્ટન અમરિંદર સિંહના ખાસ રહ્યા છે પરંતુ હવે તેમનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ નવજોત સિંહ સિદ્ધૂને પણ માઝા કોટામાંથી જ મંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમના રાજીનામા બાદ એક મંત્રી પદ ખાલી પડ્યુ છે.

કેપ્ટન અમરિંદર સિંહ જે સમયે સોનિયા ગાંધી સાથે બેઠક કરવા તેમના ઘરે જઇ રહ્યા હતા તો તેમની સાથે દિલ્હી ગયેલા અમૃતસરના દલિત નેતા અને ધારાસભ્ય ડૉ.રાજકુમાર વેરકાએ મીડિયા સાથે વાત કરતા સંકેત આપ્યા હતા કે કેબિનેટમાં મોટો બદલાવ થઇ શકે છે, તેમણે પાર્ટીના સંગઠનમાં પણ મોટા બદલાવના સંકેત આપ્યા હતા પરંતુ કેપ્ટન અમરિંદર સિંહે બેઠક બાદ મીડિયા સાથે વાતચીતમાં તેને લઇને કઇ કહ્યુ નહતું.

કેપ્ટને માત્ર એટલુ કહ્યુ કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી જે પણ નિર્ણય કરશે તે તેમણે મંજૂર હશે. જોકે, કેપ્ટન જે રીતે કોંગ્રેસના હિન્દૂ નેતાઓને પોતાની સાથે લઇને ગયા હતા તેને જોઇને જાણકારો તરફથી અનુમાન લગાવવામાં આવ્યુ કે મુખ્યમંત્રી કોઇ પણ ભોગે નવજોત સિંહ સિદ્ધૂને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનતા જોવા નથી માંગતા.

(5:17 pm IST)