Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કોરોના-લોકડાઉનથી હાલ-બેહાલ

બળદની જગ્યાએ પોતાને જોડી ખેતી કરી રહ્યા છે બે ગ્રેજયુએટ ભાઈઓ

નવી દિલ્હી, તા.૭: કોરોના અને તેના કારણે લાગુ થયેલા લોકડાઉન અને બીજા નિયંત્રણોના કારણે લાખો લોકોએ દેશમાં નોકરીઓ ગુમાવી છે.

ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ચુકી છે.તેલંગાણાના એક પરિવાર પાસે તો કમાણીનુ કોઈ સાધન નહીં હોવાથી હવે પરિવારના બે ભાઈઓએ ખેતી કરવા માટે હળ સાથે બળદની જગ્યાએ પોતાની જાતને જોડીને ખેતી શરુ કરી છે.

આ બંને ભાઈઓની નોકરી પહેલા લોકડાઉનના છીનવાઈ ગઈ હતી.એ પછી એક દુર્ઘટનામાં બે બળદો પણ મોતને ભેટયા હતા.કમાણી કરવા માટે માત્ર તેમની પાસે ખેતર હતુ પણ ખેતી કરવા માટે નવા બળદ ખરીદવાના પૈસા નહોતા.એ પછી નરેન્દ્ર બાબૂ અને શ્રીનિવાસ નામના આ બે ભાઈઓએ બળદની જગ્યાએ પોતાની જાતને જોડીને ખેતી શરુ કરી છે.

નરેન્દ્ર બાબૂ પાસે બીએસસી અને બીએડની ડિગ્રી છે.તેઓ શિક્ષક રહી ચુકયા છે જયારે શ્રીનિવાસ પાસે એમએસડબલ્યુની ડિગ્રી છે.તેઓ હૈદ્રાબાદમાં એક સંસ્થામાં કામ કરી ચુકયા છે.નરેન્દ્ર બાબૂના લગ્ન થઈ ગયા છે અને તેમના બે બાળકો પણ છે.તેમણે કહ્યુ હતુ કે, ચાર વર્ષ પહેલા મેં ઓછી આવકના કારણે નોકરી છોડીને ગામમાં જ વસવાનો નિર્ણય લીધો હતો.બીજી તરફ નાના ભાઈ શ્રીનિવાસ પણ શહેર છોડીને ગામમાં પાછા ફરી ગયા હતા.કારણકે કોરોનાના કારણે તેઓ જયાં નોકરી કરતા હતા તે સંસ્થા લોકડાઉનમાં બંધ થઈ ગઈ હતી.

પરિવાર પાસે નવુ ટ્રેકટર કે નવા બળદ ખરીદવા માટે પૈસા નહોતા.માંડ માંડ તેમણે ૬૦૦૦૦ રુપિયા ભેગા કર્યા હતા પણ બે સારા બળદની જોડીની કિમત ૭૫૦૦૦ રુપિયા થતી હોવાથી તેઓ બળદ ખરીદી શકયા નહોતા.

એ પછી બંને ભાઈઓએ બળદની જગ્યાએ પોતાની જાતને હળ સાથે જોડીને ખેતી કરવાનુ નક્કી કર્યુ હતુ.તેઓ આ રીતે ખેતી કરી રહ્યા છે અને તેમનો કિસ્સો આખા દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

(4:24 pm IST)