Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

૧૮ વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગયા હતા દિલીપ કુમારઃ પુનામાં વેચતા હતા સેન્ડવિચ

પિતા સાથે વિવાદ થયો તો ઘર છોડીને ભાગી ગયા હતા દિલીપ કુમાર : તે જમાનામાં સેન્ડવિચ વેચીને ૫૦૦૦ રૂપિયા કમાઈ લેતા હતા

મુંબઇ, તા.૭: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતાઓમાં જેમની ગણતરી થાય છે તે દિલીપ કુમારનું બુધવારની વહેલી સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારનું આખું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. તેમણે વર્ષ ૧૯૪૪માં ફિલ્મ જવાર ભાટાથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. પરંતુ ૧૯૪૭માં આવેલી ફિલ્મ જુગનૂ પછી તેમને ખાસ ઓળખ મળી.

દિલીપ કુમાર બોલિવૂડના એકમાત્ર એવા સ્ટાર છે, જેમણે સૌથી વધારે બેસ્ટ એકટરના ફિલ્મફેર અવોર્ડ પોતાના નામે કર્યા છે. દિલીપ કુમારે ૬૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. દિલીપ કુમાર બોલિવૂડ એકટ્રેસ મધુબાલા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહેતા હતા. પરંતુ તેમની જોડી લગ્ન સુધી ના પહોંચી શકી. દિલીપ કુમારે ૧૯૬૬માં એકટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. દિલીપ કુમારને હિન્દી સિનેમાના સુવર્ણકાળના અંતિમ અભિનેતા તરીકે યાદ કરવામાં આવે છે.

દિલીપ કુમારે શાળાકીય અભ્યાસ નાસિકના દેવલાલીમાં બાર્ન્સ સ્કૂલથી કર્યો હતો. આ જ શાળામાં રાજ કપૂર પણ અભ્યાસ કરતા હતા. રાજ કપૂર અને દિલીપ કુમાર બાળપણના મિત્રો હતા. બન્ને એકસાથે જ મોટા પણ થયા. દિલીપ કુમાર વિષે કહેવામાં આવે છે કે કોઈ કારણસર તેમની પિતા સાથે બોલાચાલી થઈ ગઈ અને તેઓ દ્યરેથી ભાગી ગયા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી. પુનામાં જઈને તેમણે એક પારસી કેફેના માલિકની મદદ લીધી અને એક સેન્ડવિચ સ્ટોલ શરુ કર્યો. સેન્ડવિચ વેચીને તે સમયે દિલીપ કુમાર ૫૦૦૦થી વધારે કમાઈ લેતા હતા. તે સમયે ૫૦૦૦ની ઘણી મોટી રકમ માનવામાં આવતી હતી.

(4:20 pm IST)