Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દિલીપ કુમારનો પહેલો પગાર ૩૬ રૂપિયાઃ ૧૯૫૦ના દાયકામાં એક ફિલ્મ માટે લેતા ૧ લાખ !!

મુંબઈઃ ટ્રેજડી કિંગ તરીકે જાણીતા હિન્દી સિનેમાના મહાન અભિનેતા દિલીપકુમાર હવે આ દુનિયામાં નથી. તેમણે આજે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલીપકુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને તેમના માતા-પિતાએ તેમનું નામ યુસુફ ખાન રાખ્યું હતું પરંતુ દિગ્ગજ અભિનેત્રી દેવિકા રાનીએ તેમનું નામ બદલીને દિલીપકુમાર રાખ્યું હતું.

૧૨ ભાઈ-બહેનમાંથી એક દિલીપનું બાળપણ ખૂબ જ તંગીમાં પસાર થયું હતું. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો અને મુંબઈ સ્થાયી થયો હતો. દિલીપ કુમારે તે દિવસોમાં પૂણેની આર્મી કલબમાં એક સેન્ડવિચ સ્ટોલ પર નોકરી શરૂ કરી હતી. દિલીપકુમારનો પહેલો પગાર ૩૬ રૂપિયા હતો.દિલીપકુમારે વર્ષ ૧૯૪૪માં ફિલ્મ જવાર ભાટાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. એ પછી તે અંદાજ, બાબુલ, દીદાર, આન, દાગ, દેવદાસ, આઝાદ, નયા દૌર, તરાના, મધુમતી, કોહિનૂર, મુગલ-એ-આઝમ, ગંગા જમુના, રામ ઔર શ્યામ, ક્રાંતિ, શકિત, મશાલ અને સૌદાગર જેવી ફિલ્મોમાં દેખાયા. દિલીપકુમાર તેમના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર હતા. આ જ કારણ હતું કે તેઓ માત્ર ૨૫ વર્ષની ઉંમરે દેશના નંબર વન અભિનેતા બની ગયા હતા.દિલીપકુમાર ખૂબ નમ્ર સ્વભાવના હતા. દિલીપ કુમારે તેમના જીવનમાં ૬૦૪ કરોડ ૬૩ લાખથી વધુની સંપત્ત્િ। બનાવી હતી. પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્વા સરકારે દિલીપકુમારના પિતૃ મકાનની કિંમત ૮૦,૫૬,૦૦૦ રૂપિયા નક્કી કરી છે.

દિલીપકુમારે અભિનયની દુનિયાથી રાજકારણ સુધીની સફર કરી હતી. તે સાંસદ પણ બન્યા હતા. તમને જણાવી દઈએ કે દિલીપકુમાર તેમના સમયના સૌથી વધુ ફી લેનાર અભિનેતા હતા. ૧૯૫૦ના દાયકામાં તેઓ એક ફિલ્મ માટે એક લાખ રૂપિયા લેતા હતા, જે તે યુગમાં ખૂબ જ વધારે હતી.

(3:58 pm IST)