Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગુજરાતનું સહકારી મોડેલ કેન્દ્રમાં

ઘનશ્યામ અમીન-અજય પટેલ - નરહરિ અમીન- શંકર ચૌધરી- દિલિપ સંઘાણી-જયોતિન્દ્ર મહેતામાંથી એકને મંત્રીપદ?

કેન્દ્રના નવા સહકાર વિભાગના મંત્રી તરીકે ગુજરાતમાંથી બિનરાજકીય વ્યકિતને મંત્રીપદ મળે એવી શકયતાઓ, રૂપાલા રેસમાં આગળ

નવી દિલ્હી, તા.૭: કેન્દ્ર સરકારે મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે એક અલગ સહકાર મંત્રાલયની જાહેરાત કરી છે, ત્યારે આ મંત્રાલયમાં પણ મંત્રીપદ આપવામાં આવશે. આજના મંત્રીમંડળ વિસ્તરણમાં સહકારમંત્રી પણ બનાવવામાં આવશે, જે પદ ગુજરાતને મળી શકે છે, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને સહકારી ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને ગુજરાતનું સહકારી માળખું દેશમાં મોડલરૂપ બનાવ્યું છે ત્યારે નવા સહકાર મંત્રાલયમાં ગુજરાતના જ સહકારી આગેવાનને મંત્રીપદ સોંપવામાં આવે એવી શકયતાઓ છે.

ગુજરાતમાંથી હાલ કેન્દ્રિય કૃષિ રાજયમંત્રી તરીકેની જવાબદારી નીભાવી રહેલા પરષોત્ત્।મ રૂપાલાને કૃષિમાંથી મુકત કરી, નવા સહકાર ખાતામાં કેબિનેટ મંત્રીપદ આપીને તેમનું પ્રમોશન થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં હાલ સહકારી આગેવાન તરીકે ઘનશ્યામ અમીન, અજય હરિભાઈ પટેલ, નરહરિ અમીન, શંકર ચૌધરી, દિલીપ સંઘાણી તથા જયોતિન્દ્ર મહેતા કાર્યરત છે, ત્યારે આ આગેવાનોમાંથી પણ કોઈને કેન્દ્રમાં મંત્રીપદ સોંપવામાં આવે એવી શકયતાઓ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહ બંને ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ થાય એ માટે ૨૦૦૧થી ૨૦૧૩ સુધી સતત કામ કરતા હતા. ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ એક સમયે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડાયરેકટર હતા. આ ઉપરાંત અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેનપદે પણ અમિત શાહ રહી ચૂકયા હતા.

 હાલમાં ગુજરાતની ૯૦ ટકા સહકારી બેંકોમાં અમિત શાહે ગોઠવેલા માળખા પ્રમાણેની વ્યકિતઓ હોદ્દાઓ સંભાળી રહી છે, એટલે એમ કહી શકાય કે ગુજરાતના સહકારી માળખાને દેશમાં મોડલ બનાવવા માટે અમિત શાહ કિંગમેકર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે ૨૦૦૧માં આવ્યા બાદ તેમણે રાજયનું સહકારી માળખું વ્યવસ્થિત કરવા માટે વર્ષોથી સહકારી બેંકો અને મંડળીઓમાં કબજો જમાવીને બેઠેલા કોંગ્રેસ સમર્થિત આગેવાનોને હટાવીને ભાજપ સમર્થિત વ્યકિતઓને ઉચ્ચ હોદ્દાઓ પર બેસાડ્યા હતા. ગુજરાત ભાજપ સંગઠનમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી સહકારી ક્ષેત્રના વિકાસ માટે એક અલગ સહકાર સેલ પણ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે નવા સહકાર વિભાગની જાહેરાત કરી એ જ દિવસે ગુજરાત ભાજપે પણ સહકાર સેલના સંયોજક તરીકે બિપિન પટેલ (ગોતા)ની નિમણૂક કરવામાં આવી હતી. બિપિન પટેલ વર્ષોથી અમિત શાહ જૂથમાં સહકારી આગેવાન તરીકે કામગીરી કરી રહ્યા છે. ગુજરાતમાંથી બિનરાજકીય આગેવાનને કેન્દ્રના સહકાર વિભાગની જવાબદારી સોંપવામાં આવે એવી શકયતાઓ છે.

(3:53 pm IST)