Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોદી સરકારનું વિસ્તરણ

૧૩ વકિલ, ૬ ડોકટર, ૫ એન્જિનિયર સહિત આવું હશે પીએમ મોદીનું મંત્રીમંડળ

નવી દિલ્હી, તા.૭: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની નવી કેબિનેટ કેવી હશે તેનો ઈશારો કરતી બ્લૂ પ્રિન્ટ સામે આવી ગઈ છે. મળતી માહિતી મુજબ મોદીની નવી કેબિનેટમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાન મળવાનું છે. કેબિનેટમાં ૧૩ વકિલ, ૬ ડોકટર, પાંચ એન્જિનિયર્સ હશે. કેબિનેટમાં યુવાઓને જગ્યા દેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ૧૪ મંત્રીઓ એવા હશે જેમની ઉંમર ૫૦ વર્ષથી નીચી હશે.

નવી કેબિનેટમાં ચાર પૂર્વમુખ્યમંત્રીઓની સાથે સાથે ૧૮ પૂર્વ રાજયમંત્રીઓ હશે

મોદીની નવી કેબિનેટમાં ચાર પૂર્વમુખ્યમંત્રીઓની સાથે સાથે ૧૮ પૂર્વ રાજયમંત્રીઓ હશે. તો ૩૯ પૂર્વ ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં જગ્યા મળશે. ૨૩ એવા સાંસદ હશે જે ત્રણ અથવા તેથી વધુ સમયથી જીતીને આવ્યા છે.

૧૪ એવા મંત્રીઓ છે જેમની ઉંમર ૫૦ વર્ષથી નીચે

મોદી સરકારની નવી કેબિનેટમાં જેને જગ્યા મળી તેમાંથી ૧૩ વકિલ, ૬ ડોકટર, ૫ એન્જિનિયર, ૭ પૂર્વ સિવિલ સર્વન્ટ છે. સાથે જ ૪૬ એવા છે જેને કેન્દ્ર સરકારમાં કામ કરવાનો અનુભવ છે. કેબિનેટની એવરેજ ઉમર ૫૮ વર્ષ છે. ૧૪ એવા મંત્રીઓ છે જેમની ઉંમર ૫૦ વર્ષથી નીચે છે. મંત્રીમંડળમાં ૧૧ મહિલાઓને જગ્યા આપવામાં આવશે. એમાંથી બેને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે.

૮ અનુસૂચિત જનજાતિના હશે જેમાંથી ૩ કેબિનેટ મંત્રીનો દરજ્જો

મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ૫ અલ્પસંખ્યક મંત્રીઓ હશે, એમાં ૧ મુસ્લિમ, ૧ શીખ, ૧ બૌદ્ઘ, ૧ ઈસાઈ હશે. મંત્રીમંડળમાં ૨૭ ઓબીસી મંત્રીઓ હશે. જેમાંથી ૫ને કેબિનેટ મંત્રી બનાવાઈ શકે છે. આ સાથે ૮ અનુસૂચિત જનજાતિના હશે જેમાંથી ૩ કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે. ૧૨ અનુસૂચિત જાતિના હશે જેમાંથી ૨ ને કેબિનેટ મંત્રીનો દરજ્જો અપાશે.

(3:52 pm IST)